Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમદાવાદ હોસ્‍પિટલ એન્‍ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેસ સેવા બંધ કરાઇઃ વીમા કંપની અને હોસ્‍પિટલ વચ્‍ચે સંકલનનના અભાવે વીમો ભરતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા

સરકારી વીમા કંપનીઓ દ્વારા હોસ્‍પિટલને પેનલ પર લેવામાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ કરાયો

અમદાવાદઃ અમદાવાદની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્‍પિટલો-નર્સિંગ હોમ્‍સ સરકારી વીમા કંપનીઓની કેસલેસ સુવિધાઓ બંધ કરી છે. વીમા કંપની અને હોસ્‍પિટલના તકરાર અને સંકલનના અભાવે વીમો ભરતા લોકો મુશ્‍કેલીનો ભોગ બનયા છે. સરકારી વીમા કંપનીઓ પડતર માંગણીઓ ધ્‍યાને લેતી નથી તેવો આક્ષેપ કરાયો છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેસ સેવા સ્થગિત કરાઈ છે. આજથી 15 ઓગસ્ટ સુધી વીમાધારક દર્દીઓને કેશલેસ સુવિધા નહીં મળે. વીમા કંપનીઓને સતત રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે કેશલેસ સુવિધા સ્થગિત કરાઈ છે. જોકે, આ નિર્ણયથી દર્દીઓનો મરો થશે. વીમા કંપની અને હોસ્પિટલો વચ્ચેને તકરારને કારણે સમયસર વીમો ભરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમાં લોકોનો શું વાંક.

આજથી 15 ઓગસ્ટ સુધી અમદાવાદમાં ધ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડીયા ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ, ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના વીમાધારકોને કેશલેસ સુવિધા નહિ મળે. અમદાવાદની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો - નર્સિંગ હોમ્સ સરકારી વીમા કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરી છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર કિરીટ ગઢવીએ જણાવ્યું કે, 10 કરતા વધુ વખત પડતર માગણીઓ અંગે રજૂઆત કરી છે. સરકારી વીમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવિઝન કરેલ નથી. પાંચ વર્ષમાં વીમા કંપનીના પ્રીમિયમ બે થી ત્રણ ગણા વધ્યા છે. તમામ સર્વિસ તેમજ સ્ટાફને લગતા ખર્ચમાં ખાસ્સો વધારો થવાથી હોસ્પિટલોને સરકારી વીમા કંપનીઓના ધારકોને અપાતી સારવારનો ખર્ચ રિચાર્જ આપવામાં આવે છે તે પોસાય તેમ નથી.

તેમજ વીમા કંપનીઓ ચાર્જ નક્કી કરતી વખતે ડોકટરોની સિનિયોરિટી પણ ધ્યાને ન રાખતી હોવાનો હોસ્પિટલ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો છે. સરકારી વીમા કંપનીઓ દ્વારા હોસ્પિટલને પેનલ પર લેવામાં પણ ભેદભાવ રખાતો હોવાનો તેમજ વહાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે એસોસિયેશને માંગ કરી કે, સરકારી વીમા કંપનીઓએ આ બાબતમાં પારદર્શિતા લાવવાની જરૂર છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ 24 કલાક કાર્યરત હોય તેવા સંજોગોમાં TPA, લિમિટેડ સમય માટે કેવી રીતે કાર્ય કરી શકે? મોટા ભાગે TPAની ઓફીસો શનિવારે બંધ હોવાથી અને સાંજે બંધ થઈ જવાથી દર્દી તેમજ હોસ્પિટલને સમસ્યા પડે છે. IRDA એ દ્વારા TPA ને તેમની ઓફિસ 24 કલાક ચાલુ રાખવા સૂચના અપાઇ હોવા છતાં તેનો અમલ નથી કરતો.

ટીપીએમાં ક્લેઈમ સંબંધિત નિર્ણય લેવામાં કોઈ ક્વોલિફાઈડ ડોક્ટરોની નિમણૂંક નથી હોતી. તેમની અણ-આવડતને કારણે ક્વેરીઓ કાઢી દર્દીની સારવાર માટે વિલંબ કરાતો હોવાની ફરિયાદો પણ એસોસિએશન મળી છે. ઘણી વખત ડિસ્ચાર્જ વખતે પણ વિલંબ થતા દર્દી અને હોસ્પિટલ વચ્ચે ઘર્ષણ પણ થવાની ઘટનાઓ બને છે.

સરકારી કંપની દ્વારા ક્લેઈમ સામે પેમેન્ટ ખુબ મોડું મળતું હોય છે, 30 દિવસની મર્યાદા હોવા છતાં સરકારી વીમા કંપનીઓ દ્વારા સમયસર નાણાંની ચુકવણી પણ કરાતી નથી. દર્દીઓને પણ આવી તકલીફનો સામનો કરવો પડે છે, મનફાવે તેવી રકમમાં કપાત વીમા કંપનીઓ કરી રહી છે.

આહનાનાં પ્રેસિડેન્ટ ડોક્ટર ગઢવીએ જણાવ્યું કે, દર્દીને સમસ્યા નાં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે, જે અમારી ફરજ છે. આ વખતે એક અઠવાડિયું અમે કેસલેશ સેવાઓ સ્થગિત કરી છે, જો હજુ પડતર માગણીઓ મામલે કોઇ નિર્ણય નહીં આવે તો બે અઠવાડિયા ત્યારબાદ એક મહિના માટે કેસલેશ સુવિધાઓ બંધ કરવાનો અમે નિર્ણય લઈશું.

(5:47 pm IST)