Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત અમુલ દુધના પાઉચના માધ્‍યમથી અભિયાન વધુ વેગવંતુ પરંતુ ‘તિરંગા'વાળી થેલીના ઉપયોગ પછી શું કરવુ? તે પ્રશ્ને લોકોમાં ચિંતા

દુધના પાઉચ ઉપર રાષ્‍ટ્રધ્‍વજનો લોગો પ્રિન્‍ટ કરાયા બાદ રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થવાની દહેશત

અમદાવાદઃ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત અમુલ દુધના પાઉચ ઉપર તિરંગાની પ્રિન્‍ટ કરવામાં આવનાર છે ત્‍યારે પાઉચના ઉપયોગ બાદ રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થાય તેવી દહેશત છે.

આ વર્ષે 75 મા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં હર ઘર તિરંગાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન થવા જઇ રહ્યુ છે. ત્યારે અત્યારથી જ તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ પર તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે તમામ વેપારીઓ, દુકાનદારો પોત પોતાના વ્યવસાયમાં તિરંગો લહેરાવશે ત્યારે અમુલ પણ દૂધનાં પાઉચ પર ત્રિરંગાનો લોગો પ્રિન્ટ કરશે

અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ સોઢીએ મહત્વની જાહેરાત કરી છે. અમૂલ પણ હવે 'હર ઘર ત્રિરંગો' અભિયાનમાં જોડાઈ ગયું છે. અમૂલ ફેડરેશન મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલ દૂધ હર ઘર ત્રિરંગો અભિયાન દ્વારા દરરોજ ત્રણ કરોડ પરિવારો સુધી પહોંચશે. અમૂલ તિરંગા ઝુંબેશને જમ્મુ-કાશ્મીર, ગુજરાત, કલકત્તા, દિલ્હી સહિત દેશના દરેક ઘર સુધી પહોંચાડશે. આ અભિયાન અમૂલ દ્વારા 15 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવશે.

જે અંતર્ગત અમૂલ દૂધના પાઉચ પર ત્રિરંગાનો લોગો પ્રિન્ટ કરવામાં આવશે. અને સ્ટેમ્પ ટિકિટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરાશે જે ખૂબ જ આવકારદાયક છે પણ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે આવું કરવાથી તિરંગાની શાન વધશે કે તેનું અપમાન થશે?

આ અંગે કાયદાના જાણકાર એડવોકેટ પૂનમ મિશ્રાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દૂધની થેલી જેના પર ત્રિરંગાનો લોગો પ્રિન્ટ કરવામાં આવશે.પણ લોકો દૂધની થેલીનો વપરાશ કર્યા બાદ તેને ડસ્ટબિનમા ફેંકશે અને ત્યારબાદ તે ઘણાના પગમાં પણ આવશે. માટે તિરંગાનું અપમાન થશે.કાયદા પ્રમાણે જો તિરંગો કોઈ સંજોગોમાં ફાટી પણ જઈ તો તેને સન્માન સાથે ડિસ્પોઝ કરવો જોઈએ,જેથી તિરંગાનું માન જળવાઈ રહે.

તો બીજી તરફ શિવસેના દ્વારા તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, દુધનો ઉપયોગ કર્યા બાદ થેલી કચરામાં જશે. આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ જાહેરનામું પાડી આ કાર્ય અટકાવવા જાહેરનામું પાડવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ દ્વારા શરૂ કરવામાં આવેલ તિરંગા અભિયાન બાદ તિરંગાનું અપમાન થશે કે શાન વધશે તે મોટો સવાલ છે.કારણ કે મોટા ભાગે આપણે ત્યાં દૂધની થેલીઓ દૂધ વપરાશ બાદ કચરામાં ફેંકી દેવામાં આવે છે. જો તિરંગાની પ્રિન્ટવાળી થેલી પણ આવી જ રીતે કચરામાં જશે તો તિરંગાનું અપમાન થયુ કહી શકાય. તિરંગો એ આપણા દેશની આન બાન અને શાન છે.દેશના લોકોની આશાઓ અને મહત્વકાંક્ષા નું પ્રતિક છે.ત્યારે તિરંગાની પ્રિન્ટવાળી થેલીઓ કચરામાં નહીં પરંતુ સારી રીતે ડિસ્પોઝ થાય તેવી વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી બને છે.

(5:57 pm IST)