Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

કપડવંજ તાલુકાના વાવમાં પત્ની સાથે આડા સંબંધ ધરાવનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : કપડવંજ તાલુકાના વાવના મુવાડાના યુવાનને પત્ની સાથે આડા સંબંધ ધરાવતા ઈસમ અને તેના સંબંધીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.

કપડવંજ તાલુકાના વાવના મુવાડા તાબે કાભઈના મુવાડામાં રહેતા કૌશિક કુમાર ભલાભાઇ પરમારના લગ્ન વર્ષ ૨૦૧૯માં જલોયામાં રહેતા રાજેશભાઈ શંકરભાઈ પરમારની દિકરી સાથે થયા હતા. કૌશિક કુમાર અમદાવાદના નરોડામાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોઇ તેમની કંપનીમાં નોકરી પર આવતા નિકુલસિંહ દિલીપસિંહ ઝાલા તથા દશરથભાઈ ચૌહાણ સાથે મિત્રતા થઈ હતી.  જેથી નિકુલ કૌશિક ને અવાર નવાર ફોન પર વાતચીત કરતો હતો.આ દરમ્યાન ગત તા.૨૨/૬/૨૨ ની રાત્રે પત્ની ભગવતી પર નિકુલસિંહનો ફોન આવ્યો હોવાની જાણ થતા મોબાઈલ ફોન ચેક કરતા તેમાં નિકુલ સાથે પત્નીના બીભત્સ ફોટા મળી આવ્યા હતા. જેથી કૌશિકે પોતાની પત્ની સાથે આડા સંબંધ બાબતે નિકુલને ઠપકો આપ્યો હતો. આ ઠપકો સાંભળી નિકુલ ઝાલાએ ગત તા.૨૯/૭/૨૨ ના રોજ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી મારે તારી પત્ની સાથે આડા સંબંધો છે. તારાથી જે થાય તે કરી લેજે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નિકુલના સંબંધી દશરથ ચૌહાણએ પણ ફોન કરી કૌશિકકુમાર પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે કૌશિકે નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. આ બનાવ અંગે કૌશિક કુમાર ભલાભાઇ પરમારની ફરિયાદ આધારે આતરસુંબા પોલીસે નિકુલ સિંહ દિલીપસિંહ ઝાલા તેમજ દશરથભાઈ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.

(7:31 pm IST)