Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

PSP પ્રોજેક્ટની કોલોની તથા સાઇટ પર 277 લોકો પોઝીટીવ મળ્યા : AMC એ ફટકારી એક કરોડનો દંડની કારણદર્શક નોટિસ

એક કરોડની રકમને એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ વળતર તરીકે માનવામાં આવશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પી.એસ.પી. પ્રોજેક્ટને એક કરોડની રકમનો દંડ કેમ ના કરવો તે અંગે ત્રણ દિવસમાં ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. એક કરોડની રકમને એપેડેમિક ડીસીઝ એક્ટ હેઠળ વળતર તરીકે માનવામાં આવશે. અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા તેનો ઉપયોગ કોવિડ 19ના દર્દીઓની સારવાર અર્થે કરવામાં આવશે તેમ નોટીસમાં જણાવાયું છે.

 શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આવેલ પી.એસ.પી. લેબર કોલોની તથા ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલી પી.એસ.પી. પ્રોજેક્ટની બાંધકામ સાઇટ પેલેડિયમ મોલ સાઇટ પર અનુક્રમે બોડકદેવ યુએચસી મેડિકલ ટીમ અને થલતેજ યુ.એચ.સી. મેડિકલ ટીમ દ્રારા સાઇટ પર કામ કરતાં કામદારોની ટેસ્ટીંગની કામગીરી કરી હતી. તે વખતે લગભગ 277 કામદારો કોવીડ 19 પોઝિટિવ મળી આવ્યા હતા. તમામને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવેલી અને તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોવીડ 19ના ટેસ્ટિંગની સુવિધા માટેની વિશેષ વ્યવસ્થા, સખ્ત સલામતિના પગલાંઓને અનુસરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મેડિકલ અને પેરામેડિકલ ટીમો, ડોકટરો, નર્સીંગ સ્ટાફ, સહાયક સ્ટાફ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાબતે 1050થી વધુ કોવીડ 19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે અંગેનો આર્થિક બોજો AMC ઉઠાવ્યો હતો અને તે માટે જરૂરી મેનપાવર પણ ફાળવ્યો હતો. તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ જયારે બંને સાઇટોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સફાઇની વ્યવસ્થાના ધોરણો પણ નહીં જળવાતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

પી.એસ.પી. પ્રોજેક્ટ (PSP Project)ની મેનેજીંગ ઓથોરીટી દ્રારા કોવીડ 19ને અટકાવવા માટે લેવાના થતાં જરૂરી પગલાંઓ નહીં ભરીને દર્શાવેલી ઉપેક્ષા, બેદરકારી અને સરકારના આદેશની અવગણના કરવા માટે AMC દ્વારા શો કોઝ નોટીસ આપવામાં આવે છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 13/8/2020ના રોજના હુક્મનું પાલન અન્વયે કોવીડ કો ઓર્ડીનેટરની નિમણૂંક નહીં કરી અને મજૂરોને કાર્યસ્થળ પર તંદુરસ્ત વાતાવરણ પુરું પાડવા માટે કોવીડ 19ના પ્રોટોકોલનું પાલન કરવા બદલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે શો કોઝ નોટીસ આપવામાં આવે છે. તેનો ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે. તેની સાથે જાહેર આરોગ્યને જોખમમાં મૂકવાને લીધે એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2 હેઠળ તથા અન્ય નિયમો અને હુક્મો અન્વયે એક કરોડની રકમ દંડ પેટે જમા નહીં કરાવવા અંગેનો પણ ખુલાસો કરવા જણાવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારત સરકારે પણ ધી એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 અંતર્ગત રોગચાળાને ફેલાતો અટકાવવા અને નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકાર તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા પણ રોગચાળાને અટકાવવા તથા નિયંત્રણ માટેના નિયમો ઘડવામાં આવ્યા છે. તે મુજબ કોર્પોરેશને 13/8/2020ના રોજ કામકાજના સ્થળે કોવીડ 19ના ચેપને ફેલાતો અટકાવવા માટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, 30થી વધુ કર્મચારી ધરાવતી પ્રત્યેક સંસ્થાના માલિકોએ તેઓની સંસ્થામાં કોવીડ કો ઓર્ડીનેટરની નિમણૂંક કરી તેની જાણ સંબંધિત ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને કરવાની રહે છે. અને કોવીડ 19 અંગે સમયાંતરે જારી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે.

ગુજરાત સરકારના ગુહ વિભાગ દ્રારા પણ 5/9/2020ના રોજ આદેશ જારી કરી ફરજિયાતપણે જે તે સંસ્થાના માલિકોએ તેમના તમામ કર્મચારીઓ/કામદારો/મજુરી કરનારાઓને કોવીડ 19 ટેસ્ટ કરાવવાનો અને કોવીડ 19ના પ્રોટોક્લ જાળવવા અંગેનો તમામ ખર્ચ ભોગવવા અને તમામને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવવા જણાવ્યું છે.

(8:44 am IST)