Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૫૦ લાખ ટન મગફળી ઉત્પાદનનો અંદાજ : ખરીદી માટે સાંજે નિર્ણય

અત્યારનો વરાપ ખેતી માટે આર્શીવાદરૂપ : પુષ્કળ ઉત્પાદનથી ટેકાના ભાવે ખરીદીમાં સરકારની કસોટી

રાજકોટ તા. ૮ :.. ગુજરાતમાં જુનથી ઓગષ્ટ સુધી મેઘરાજાની મહેર થઇ જતા ખેતી માટે ચિત્ર ખૂબ સારૂ થઇ ગયું છે. ઓગષ્ટના છેલ્લા અઠવાડીયાનાં ભારે વરસાદથી રાજયના કેટલાક વિસ્તારોમાં મગયળી, કપાસ વગેરેના પાકને ઓછુ અ વતુ નુકશાન થયું છે. જો કે અત્યારનો તડકો ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. આ વર્ષે મગફળીનું વાવેતર વિક્રમસર્જક પ્રમાણમાં થયુ હોવાથી ઉત્પાદન પણ મબલખ થાય તેવા એંધાણ છે. રાજયમાં પ૦ લાખ ટન જેટલી મગફળી પાકવાનો પ્રાથમિક અંદાજ છે. તે ગયા વર્ષ કરતા દસેક લાખ  ટન વધુ રહેવાની શકયતા છે.

મગફળીનું મોટાપાયે ઉત્પાદન થનાર હોવાથી ટેકાના ભાવે ખરીદીમાં સરકારની કસોટી થઇ જશે. કૃષિ મંત્રી આર. સી. ફળદુએ આજે સાંજે પ વાગ્યે ગાંધીનગરમાં ગુજકો માસોલ સહિતની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સબંધિત વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી છે. પુરવઠા નિગમે ગયા વર્ષે ખરીદી કરેલ. આ વર્ષે નિગમ સ્ટાફની હાલની સ્થિતિએ ખરીદી કરી શકે તેમ ન હોવાનું સરકારને જણાવી દીધુ છે. દિવાળી આસપાસથી ખરીદી શરૂ થશે. સરકાર પોતે ખરીદી કરવા માંગે છે કે કોઇ સહકારી સંસ્થાને સોંપે છે ? તે આજે સાંજે અથવા ત્યારબાદ ટૂંક સમયમાં  નકકી થઇ જશે.

મગફળીનું આંકડાકીય ચિત્ર (વાવેતર વિસ્તાર હેકટરમાં)

છેલ્લા ૩ વર્ષનું સરેરાશ વાવેતર ૧૫,૪૦,૦૭૮

ગયા વર્ષનું વાવેતર ૧૫,૫૦,૩૭૨

આ વર્ષનું વાવેતર ૨૦,૬૫,૩૧૬

(12:02 pm IST)