Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મીનીના રહસ્યમય મોતમાં મ્યાઉ (સ્પા ગર્લ)નો હાથ? ખાસ ટીમ રચાઇ

સુરતઃ થાઇલેન્ડની ખુબસુરત યુવતીને જીવતી સળગાવાઇ કે પછી શોર્ટ સર્કિટથી મોત? સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર મામલાની તપાસમાં પોલીસની સાથે ફોરેન્સીક એકસપર્ટો, એફએસએલ તજજ્ઞો અને વિજ કંપનીના નિષ્ણાંત એન્જીનીયરો જોડાયા : વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મ્યાઉ વનીદા (મીની)ના ઘેર શા માટે ગઇ? બહારથી લોક કોણે કર્યુ ? લાશ ખરેખર મીનીની છે કે અન્ય યુવતીની? દાંતનો ડીએનએ થશે : એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા તથા ડીસીપી વિધી ચૌધરી ટીમ દ્વારા પાંચ કલાક સુધી સર્વાગી તપાસ : દુભાષીયાની મદદઃ પ્રેમી અંકુરની શોધખોળ માટે ખાસ ટીમો રવાનાઃ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા,.૮: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતમાં થાઇલેન્ડની ખુબસુરત યુવતીને જીવતી સળગાવાઇ કે પછી તેનું શોર્ટ સર્કીટને કારણે અકસ્માતે મોત થયું તે બાબતનું રહસ્ય ઉકેલવા માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ડીસીપી વિધી ચૌધરીની રાહબરીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. આ ટીમમાં ઉમરા પોલીસ મથકના પીઆઇ એમ.એલ.સાળુકે, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સી.આર.દેસાઇ અને ખાટોદરા પોલીસ મથકના પીએસઆઇ એ.કે.કુવાડીયાની નિમણુંક કરવામાં આવી છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે તમામ એંગલથી તપાસ થાય તે માટે પોલીસની સાથોસાથ ફોરેન્સીક એકસપર્ટ, એફએસએલના તજજ્ઞો તથા વિજ કંપનીના નિષ્ણાંત એન્જીનીયરોની પણ મદદ લેવામાં આવી છે.

અત્રે યાદ રહે કે સુરતના મગદલ્લાની ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાના રૂમમાં રહેતી થાઇલેન્ડની વનીદા ઉર્ફે મીની પોતાના રૂમમાંથી સળગી અને ભડથુ થયેલી હાલતમાં મળી આવતા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી વિધી ચૌધરી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તુર્ત જ એફએસએલના ડેપ્યુટી ડાયરેકટર બી.પી.પટેલ સહીતના તજજ્ઞો, નવી સિવિલ હોસ્પીટલના મેડીકલ ફોરેન્સીક એકસપર્ટ તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જીનીયરોને સાથે રાખી સતત પાંચ કલાક સુધી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.

પોલીસ તપાસનું કેન્દ્ર વનીદા ઉર્ફે મીનીની રૂમ પાર્ટનર મ્યાઉ ઉપર કેન્દ્રીત થયું છે. રાત્રે બહાર ગયા બાદ વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં મ્યાઉ મીનીના ઘરે તેણે મંગાવેલ વસ્તુ આપવા આવી હોવાનું તેણી રટણ કરે છે. સવાલ પોલીસને માત્ર એટલો જ છે કે બહારથી લોક શા માટે કર્યો? મીની પરણેલી છે. જયારે મ્યાઉ ડાયવોર્શી છે. પોલીસે ડીએનએ ટેસ્ટ માટે મૃત્યુ પામનાર મીનીનો દાંત ડીએનએ ટેસ્ટ માટે મોકલાવ્યો છે. પોલીસ સૂત્રોનું કહેવું એવું છે કે સળગેલી જે લાશ મળી છે તે ખરેખર મીનીની છે કે કેમ? મીનીના એક બોયફ્રેન્ડનો મોબાઇલ બંધ છે તે ગભરાઇને બંધ કરાવ્યો છે કે તેમાં કોઇ બીજુ રહસ્ય છે? તે બાબતે પણ તપાસ ચાલે છે. પોલીસે તમામ સંબંધકર્તાઓની કોલ ડીટેઇલ્સ પણ કઢાવી છે. સુરતના લોકોના કહેવા મુજબ આ સ્પા ગર્લની દુનિયા ખુબ જ રંગીલી હોય છે. સામાન્ય લોકો માટે જયારે રાત થાય છે ત્યારે આ સ્પા યુવતીઓ માટે દિવસ ઉગતો હોય છે.

પોલીસનું પ્રાથમીક તારણ એવુ છે કે મીનીના આગલા રૂમમાં બે ગાદલા હતા અહિં એક્ષટેન્શન બોર્ડ લગાવી તેમાંથી બીજુ એક્ષટેન્શન બોર્ડ લગાડયું છે. શોર્ટ સર્કિટના ચાન્સીસ પણ નકારી ન શકાય.

નિષ્ણાંતોના મતે ઉંઘમાં આ બનાવ બન્યાની બાબત પણ નકારી શકાય તેમ નથી. પીવીસી વાયરનો શોર્ટ સર્કિટ બાદ જે ધુવાડો થાય છે તે ખુબ જ ખતરનાક હોય છે.

મ્યાઉ નામની સ્પા ગર્લની પુછપરછ માટે પોલીસે થાઇલેન્ડમાં પરણેલા એક યુવાનની દુભાષીયા તરીકે મદદ પોલીસ કમિશ્નરના તલસ્પર્શી તપાસના આદેશ સંદર્ભે લીધી છે. મીનીના પ્રેમી અંકુરની પણ શોધખોળ ચાલે છે આમ સમગ્ર ગુજરાતમાં રહસ્યમય બનેલા મામલાનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે થઇ છે.

(12:02 pm IST)