Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વડોદરામાં પોતાના નિવાસ સ્થાને મોડી રાતે હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

કોંગ્રેસના પીઢ આગેવાન અને રેલ્વે યુનિયનના ભીષ્મ પિતામહ જે.જી. માહુકરજીનું નિધન

૮૫ વર્ષની વયે પણ રેલ્વે યુનિયનમાં સક્રિય હતાઃ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના સિનીયર સાથીદાર હતાઃ રેલ્વેના કર્ર્મચારીઓની શ્રધ્ધાંજલી : સદ્ગત જે.જી.માહુકરજી ઇન્ડિયા ટૂડે મેગેઝીનના સિનીયર એડીટર ઉદય માહુકરજીના પિતા હતાઃ ઘેરા શોકની લાગણી

રાજકોટઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રેલ્વે યુનિયનના ભીષ્મ પિતામહ ગણાતા એવા જે.જી.માહુકરજીને હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા. તેઓના દુઃખદ નિધનથી રેલ્વેના કર્મચારીઓમાં ઉંડા શોકની લાગણી છવાઇ છે.

ગુજરાત કોંગ્રેસ અને વડોદરાના પીઢ આગેવાન તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના પીઢ  સૌથી સિનીયર રાષ્ટ્રીય નેતા એવા શ્રી જે.જી. માહુકરજીને મોડીરાતે તેમના વડોદરા સ્થિત નિવાસ સ્થાને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે વડોદરાની ટ્રાઇકલર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયુ હતુ.

સદ્ગત જે.જી. માહુકરજી ઇન્ડિયા ટૂડે મેગેઝીનના સિનીયર એડીટર શ્રી ઉદય માહુરકરજીના પિતા હતા. રેલ્વે યુનિયનના ભીષ્મ પિતામહસમા શ્રી માહુકરજીના અવસાનના સમાચાર મળતા રેલ્વે કર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી છવાઇ છે. તેઓ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘમાં સૌથી સિનીયર નેતા હતા અને ૮૫ વર્ષની વયે પણ રેલ્વેના કર્મચારીઓના પ્રશ્ને લડત આપતા હતા. રેલ્વે મજદુર સંઘના સેક્રેટરી શ્રી હિરેન મહેતાએ પણ દુઃખની લાગણી વ્યકત કરી સદ્ગતને શ્રધ્ધાંજલી આપી હતી.

(12:45 pm IST)