Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના કહેર વચ્ચે સસ્તા અનાજની દુકાનો ઉપરથી ઓફલાઇન વિતરણ કરવાની માંગણી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૮: સમગ્ર રાજયમાં કોરોનાનું સંક્રમણ એકદમ વધી ગયું છે. સરકાર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા માસ્ક પહેરવા કે કયાય લોકોના ટોળા ભેગા ન થાય તે માટે સતત જાહેરાત કરે છે ત્યારે વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી ઓનલાઇન વિતરણ કરવામાં આવે તો સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય નહીં. વારંવાર ફીંગર પ્રીન્ટ લેવા જતા થમ્બ ઉપર અંગુઠાનો સ્પર્શ થવાથી કે ટોળા ભેગા થવાનો ભય ઉભો થાય અને કોરોનાનું સંક્રમણ વધવાના ભયે લોકોની સલામતી જળવાય નહીં તે માટે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા સમક્ષ કોરાનાનું સંક્રમણ છે ત્યાં સુધી જાહેર વિતરણ વ્યવસ્થામાં ઓફલાઇન વિતરણની છૂટ આપવા સંચાલકો તેમજ કાર્ડ હોલ્ડરોમાં માંગ ઉઠવા પામી છે.

હાલમાં ચાલી રહેલા ભયાનક કોરોનાના સંક્રમણના કારણે ગુજરાતની પ્રજા તેમજ સંચાલકોના પરિવારોની વિચારણા કરી કોરોના દિવાળી સુધી ઓફલાઇન વિતરણ વ્યવસ્થાની છુટ આપવા પાટણ જિલ્લા ફેરપ્રાઇઝ એસોસીએશન દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી, પુરવઠા મંત્રીશ્રી તેમજ પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલને લેખિત રજુઆત કરી પ્રજાને ઓફલાઇન વિતરણ કરવાની છૂટ આપવા માંગણી કરેલ છે.

(2:51 pm IST)