Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વડોદરાની સયાજી હોસ્‍પિટલની વધુ એક ગંભીર બેદરકારીઃ કોરોનાથી મૃત્‍યુ પામેલા દર્દીના મોતનો મલાજો ન જળવાયોઃ મૃતદેહ કલાકો સુધી રઝળ્‍યો

વડોદરા: અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે કોરોનાએ વડોદરાનો વારો પાડ્યો છે. વડોદરામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વડોદરામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ગત કલાકમાં 17 દર્દીઓના મોત નિપજ્યા છે. તો સોમવારે 126 નવા કેસ નોંધાયા છે. જેમાં વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ તથા તેમના સગર્ભા પત્ની, પુત્ર અને પિતા કોરોનાગ્રસ્ત બન્યા છે. જેથી પાર્થ બ્રહ્મભટ્ટ ક્વોરેન્ટાઈન થયા છે. તો માંડવી એસબીઆઈ બ્રાન્ચના ત્રણ કર્મચારી પણ કોરોના પોઝિટિવ થતા બ્રાન્ચ બંધ કરાઈ છે. નંદેસરી ગામના સરપંચ દિલીપસિંહ ગોહિલ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત નર્મદા ભુવન સ્થિત જન સેવા કેન્દ્રના સુપરવાઈઝર પણ કોરોના પોઝિટિવ થયા છે. તો વડોદરાના સયાજી હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી છતી થઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મોતનો મલાજો જાળવવામાં આવ્યો નથી. કોરોના દર્દીની લાશ કલાકો સુધી તાત્કાલિક સારવાર વિભાગના પેસેજમાં રઝળતી રહી, પરંતુ કોઈએ મૃતદેહને પીપીઈ કીટ પહેરાવવાની દરકાર પણ ના રાખી. આમ, આ બેદરકારી અન્ય દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે જોખમ ઉભુ કરે છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કોવિડના દર્દીનું મૃત્યુ પામતાં 24 કલાક સુધી તેના મૃતદેહનો નિકાલ કરવામાં નહીં આવતા સમગ્ર તંત્રની બેદરકારી છતી થઈ છે. એક સપ્તાહ અગાઉ ખાનપુર સેવાસીના મહેશ પરમાર નામની વ્યક્તિ ગુમ થઈ હતી. જેમને કોવિડ 19 વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગત રોજ રવિવારે તેમનું મોત થયું હતું. 24 કલાક વીત્યા બાદ પણ તેના મૃતદેહનો નિકાલ નહીં કરવાની ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ 19 માટેના મૃતદેહનો નિકાલ શક્ય તેટલો જલ્દી કરવાનો હોય છે. ત્યારે 24 કલાક વીત્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

જ્યારે એસએસજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર અધિકારી વચ્ચે તુતું મેમેં થયા બાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસ કર્મચારીઓ દોડતા નજરે પડ્યા હતા. આ અંગે મૃતકના ભાઈ રમેશભાઈએ જણાવ્યું હતું કે મહેશભાઈ એક સપ્તાહ પહેલા ગુમ થયા હતા. જેઓની ફરિયાદ પણ નોંધાવી હતી. તેઓ ચેકઅપ કરાવવા માટે અહીં આવ્યા હતા અને કોરોના કહી કોવિડ સેન્ટરમાં ભરતી કરી દીધા હતા. ગતરોજ સવારે તેઓનું મૃત્યુ થયું હતું. જેની જાણ અમને ખાનપુર પંચાયત દ્વારા થઈ હતી. જેથી અમે હોસ્પિટલ ખાતે ગઈકાલે સવારે આવી પહોંચ્યા હતા. પણ તબીબોએ આ પોલીસ મેટર છે પોલીસ આવશે પછી મૃતદેહ સોંપવામાં આવશે... તેવું જણાવ્યું હતું. આખો દિવસ પતી ગયો તેમ છતાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ ના થઇ અંતે બીજા દિવસે પોસ્ટમોર્ટમ રૂમ બહાર આવ્યા. ત્યારે પણ આ  પોલીસ મેટર છે પોલીસે અજાણ્યા વ્યક્તિ તરીકેની નોંધ કરી છે માટે પોલીસ તપાસ બાદ મૃતદેહ મળશે તમે કેવી રીતે લઈ જશો... હોવાનું કહ્યું હતું.

ત્યારે બીજી તરફ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે કોરોનાં સંક્રમિત મહેશભાઈને કોવિડ કેરમાં ભરતી કરાયા અને તેમનું મોત નિપજ્યું તેમ છતાં એસએસજી હોસ્પિટલ કે પોલીસ દ્વારા પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી. અને કોરોના સંક્રમિત મોત હોય તો સરકારની કોવિડ 19 ગાઈડલાઈન મુજબ જેમ શક્ય હોય તેમ વહેલી તકે હોસ્પિટલના તંત્ર દ્વારા જ મૃતદેહનો નિકાલ કરવાનો હોય છે. જોકે અહીં તો 24-24 કલાક કોરોના દર્દીનો મૃતદેહ પડી રહેતા પરિવારજનોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

(4:17 pm IST)