Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદમાં એટીએમમાં રૂપિયા ચોરવા તસ્‍કરોનો નિષ્‍ફળ પ્રયાસઃ લોખંડના સળીયાથી પોણા બે કલાક મશીન તોડવા પ્રયાસ કર્યો પરંતુ મહેનત પાણીમાં: 3 ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ શહેરના એટીએમ મશીન ફરી એક વખત તસ્કરોમાં નિશાને હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ અનેક વખત એટીએમ મશીન ગેસ કટરથી તોડીને ચોરીના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના આનંદનગરમાં વધુ એક ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો છે. જેમાં પોલીસ એ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આનંદ નગર રોડ પર આવેલ ધનંજય કોમ્પલેક્ષમાં આવેલ બેંક ઓફ બરોડાના મેનેજરએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના બેંકના ATM મશીનનો ગેટ, કેશ Dispensar મશીન, સ્ક્રીન ફ્રેમ અને કાર્ડ રીડર તૂટેલી હાલતમાં હોવાની જાણ તેમને થઈ હતી. જેથી તેઓ તાત્કાલિક એ ટી એમ પર પહોંચ્યા હતા. અને ઘટનાની જાણ સિક્યોરિટી ઓફિસરને કરી હતી. જેમણે સી સી ટી વી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે રાત્રિમાં ૧ કલાક ૪૦ મિનિટની આસપાસ ત્રણ શખ્સોએ લોખંડના સળિયા વડે એ ટી એમમાં ઘૂસીને મશીન તોડી લાખ્ખો રૂપિયાની ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. અને મશીનમાં તોડફોડ કરી રૂપિયા અઢી લાખનું નુકસાન કર્યું છે.

જો કે સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સી સી ટી વી ફૂટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. હાલ માં પોલીસ એ ફરિયાદ નોંધીને વિજય વાઘેલા, કારણ ચૌહાણ અને અશોક દંતાણી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બેંકના કર્મચારીનું કહેવું છે કે તે સમયે 6 લાખ 24 હજાર રૂપિયા એ ટી એમ મશીનમાં હોવાનું જાણવા મળ્યું છે.

જોકે નવાઇની વાત તો એ છે કે આ અગાઉ પણ એટીએમમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે છતાં પણ બેંકના સંચાલકો કોઈક શીખ લઇ રહ્યા નથી. મોટાભાગના એટીએમ સેન્ટર ઉપર રાત્રી દરમિયાન કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હોતા નથી અને એટીએમ સેન્ટર ભગવાન ભરોસે જોવા મળે છે.

(4:19 pm IST)