Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુરત ડિંડોલી પોલીસ જમીન પર સુવડાવી યુવકને માર માર્યો :વિડિઓ વાયરલ થતા વિવાદ :પોલીસનો ખુલાસો

પત્નીએ 100 નંબર ડાયલ કરતા પીસીઆર વાહન પહોંચ્યું હતું , પોલીસ સાથે ઝાપઝપી કરતા અને ચાલુ ગાડીએ ઉતરવા પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરી

સુરત :સુરતના ડીંડોલી વિસ્તારના બે વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. જેમાં એક વીડિયોમાં પોલીસ એક યુવકને રસ્તા પર સુવડાવીને લાતો મારી રહી છે. જો કે આ ઘટનાના વીડિયો વાઇરલ થતાં પોલીસ સમગ્ર ખુલાસો કરતાં કહ્યું છે કે, “આ વ્યક્તિ પોતાની પત્ની સાથે માથાકૂટ કરી રહ્યો હતો જેથી તેની અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં અનેક વખત બન્યું છે. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. જે વીડિયો વાઇરલ થયો છે તે ડીંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયે એક વ્યક્તિને પીસીઆર વાન પાસે રસ્તા પર સુવડાવી માર મારવામાં આવે છે.

આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકના પીઆઈ એમ.એમ ચૌહાણનું કહેવું છે કે,જે વ્યક્તિને માર મારવાની વાત છે તે કોઈ રાહદારી નથી. તેની પત્ની સાથે તે વ્યક્તિની માથાકૂટ થાય છે. જેથી પત્નીએ 100 નંબર પર કોલ કરી ફરિયાદ આપી હતી. પીસીઆર તેમને લઈને પોલીસ મથક આવે છે પરંતુ રસ્તામાં તે ચાલુ ગાડીએ ઉતરવાનો પ્રયાસ કરે છે અને પોલીસ સાથે ઝપાઝપી કરે છે. પીસીઆર અટકાવાતાં તે નીચે ઉતરી જાય છે જેથી પોલીસે થોડીક કડકાઈપૂર્વક વર્તી તેને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.”

અત્રે નોંધનીય છે કે એક તરફ પોતાના વિસ્તારમાં વધતા જતા ગુનાઓને અટકાવવામાં પોલીસ દિવસ રાત લાગેલી રહેતી હોય છે તો બીજી બાજુ ક્યાંક પોલીસ જાહેરમાં લોકોને આવી રીતે માર મારીને પોતાની સાખ બગાડી રહ્યાં છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો આ વિડિયો જોતા પોલીસ પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે. શું કોઇ પણ વ્યક્તિને કે ગુનેગારને પોલીસ આ રીતે જાહેરમાં માર મારી શકે? પોલીસ દ્વારા આ રીતે જાહેરમાં માર મારવો એ કેટલું યોગ્ય છે?

 

(6:27 pm IST)