Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદમાં કોરોનાની કામગીરીમાં જોડાયેલા મ્યુનિ. કોર્પોરેશનના શિક્ષકોને રૂ. 54.40 લાખ માનદ વેતન ચૂકવાયું

આવા કર્મચારીઓને રોજના 150 રૂ. ચૂકવવાનો નિર્ણય કરાયો હતો : શિક્ષકોના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 54,40,350 જમાં : મ્યુનિ. કમિશ્નર મુકેશકુમારની સંવેદના સભર કામગીરી

અમદાવાદઃ કોવિડ-19 મહામારીમાં પ્રજામાં જાગૃતિ ફેલાવવાથી માંડીને સર્વે સહિતની કામગીરીમાં જોડાયેલા મ્યુનિ. સ્કૂલના શિક્ષકો સહિતના કર્મચારીઓને 54.40 લાખ રૂપિયા માનદ્દ વેતન તરીકે ચુકવવામાં આવ્યાં છે. મ્યુનિ. કમિશનરની મંજૂરીથી કોવિડની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પ્રતિ દિનના રૂપિયા 150 ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

આ નિર્ણયના ભાગરુપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ( સ્કૂલ બોર્ડ ) નાં ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે મંજૂરી આપી છે. આ ખર્ચ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજુર કરાઈ હોવાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી લગધીરભાઇ દેસાઇએ આ દરખાસ્તને સ્કૂલ બોર્ડની બેઠકમાં મંજૂરી માટે મૂકી છે.

હાલમાં સમગ્ર અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ ( કોવિડ 19 ) ની મહામારીને ધ્યાનમાં લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના અધિકારીઓ/કર્મચારીઓ માર્ચ 2020થી જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આદેશ મુજબ કોરોના વાયરસની જાગૃતિ ફેલાવવા માટેની કામગીરી કરી હતી. આ કામગીરી અન્વયે મ્યુનિ. કમિશનર દ્રારા 17/7/2020નાં રોજ પ્રતિદિન રૂપિયા 150 લેખે માનદ્દ વેતન ચૂકવવાની મંજૂરી આપી હતી.

જેનાં ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્રારા 31/7/2020ના રોજ પરિપત્ર કરીને 1) 1/6/2020થી ખાનગી હોસ્પિટલો ખાતે હેલ્થ ડેસ્ક પર ફરજ બજાવનારાની માહિતી તેમજ 2/7/2020થી ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરેલ કર્મચારીઓની માહિતી ઉપરાંત 6/7/2020થી ડોર ટુ ડોર સર્વેનું ક્રોસ મોનીટરીંગ કરનારા કર્મચારીઓની માહિતી ઉપરાંત 15/7/2020થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પાલડી ખાતે કોલીંગ સર્વિસમાં કામ કરનારા કર્મચારીઓની માહીતી મંગાવવામાં આવી હતી.

આ માહિતીનાં આધારે 31/7/2020 સુઘી કામ કરતાં કર્મચારીઓને પ્રતિદિન લેખે રૂપિયા 150 માનદ્દ વેતન તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવતાં કુલ ખર્ચ રૂપિયા 54,40,350નો થયો હતો. આ રકમ શિક્ષકોના પગાર પેટે બજેટમાં 275 કરોડની કરોડની જોગવાઇ હેઠળના ખર્ચમાંથી કરાઈ છે. સ્કૂલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ચેરમેને 13/8/2020નાં રોજ માનદ્દ વેતન ચૂકવવાની મંજૂરી આપી હતી. જેને આજે બપોરે મળનારી બોર્ડની બેઠકમાં મંજૂરી મેળવવા રજૂ કરવામાં આવી છે.

આ અંગે બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે, “સામાજિક સેવાનું ઉત્તર દાયિત્વ નિભાવવા માટે મ્યુનિ. શાળાના શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપાઈ હતી. મ્યુનિ. કમિશનર મુકેશકુમારની મંજૂરીથી શિક્ષકોને માનદ્દ વેતન ચૂકવાયું છે. હજુ આ કામગીરી ચાલુ હોવાથી માનદ્દ વેતન ચુકવવાની રકમનો આંકડો વધશે.”

ઝોનનું નામ – કુલ કર્મચારીની સંખ્યા – કુલ રકમ

ઉત્તર ઝોન – 348 – 6,80,850

દક્ષિણ ઝોન – 451 – 8,71,200

પૂર્વ ઝોન – 196 – 7,21,800

પશ્ચિમ ઝોન – 306 – 15,39,750

મધ્ય ઝોન – 296 – 8,56,950

હિન્દી ઝોન – 168 – 3,89,250

ઉર્દુ ઝોન – 190 – 3,80,550

કુલ – 1955 – 54,40,350

શિક્ષકોએ શું-શું કામગીરી કરી?

* અમદાવાદ શહેરના અંદાજિત 17 લાખ જેટલાં ઘરોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી

* પેમ્ફ્લેટ વિતરણ

* હોમ આઇસોલેશન માટેના કંટ્રોલ રૂમની કામગીરી

* અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના પોઝિટિવ દર્દીઓને ડોક્ટરના સંકલનમાં રહીને ટેલિફોનિક લાઈઝનિગ કરવાની કામગીરી

* ખાનગી હોસ્પિટલમાં રિસેપશનની કામગીરી

* આર્યુવેદીક ઉકાળા નું ધરે ઘરે વિતરણ, કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં અન્ય વિવિધ કામગીરી

(6:28 pm IST)