Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંભવિત આગમનને પગલે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ તૈયારીઓનો ધમધમાટ

૩૧ ઓકટોબરે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે પીએમના આગમન પહેલા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિસ્‍તારને કોરોના મુકત બનાવવાનો ધ્‍યેય તમામ કર્મચાીરઓના કોરોના ટેસ્‍ટ કરી રીપોર્ટ પીએમઓને મોકલવા તૈયારી

રાજપીપળા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ 2 વર્ષ પુરા થશે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે. પીએમ મોદીની સંભવિત ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કદાચ પીએમ મોદી એ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવાની જાહેરાત પણ કરી શકે એવી સંભાવનાઓ રહેલી છે.

હાલ કોરોના મહામારી ચાલી રહી છે.

પ્રવાસીઓના સ્વાસ્થ્ય માટે પીએમ મોદીના આગમન પહલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિસ્તારને કોરોના મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

SSNL (સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ) અને SVPRET (સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રષ્ટ) દ્વારા SOU વિસ્તારમાં રાજ્યનો સૌથી મોટો કોરોના ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરાયું છે.

હાલ સમગ્ર વિશ્વ COVID19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે.

જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા પ્રત્યેક કર્મચારીનાં COVID19 (RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને

ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ લીધો છે. આગામી 9/9/2020નાં રોજ સવારે 8 કલાકથી કેવડિયા કોલોનીમાં 10 અલગ અલગ કેન્દ્રો પર COVID19 (RTPCR) ટેસ્ટ થશે. આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી., સ્ટેચ્યુ ઓફ યુનિટી વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી., GSECL, નર્મદા જિલ્લા કલેકટર કચેરી,

તેમજ L&T અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમ કર્મીઓ મળી કુલ 2602 કર્મચારીઓને આવરી લેવાશે. આ માટે સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે.

તે મુજબ પ્રત્યેક કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી રાખવા જરૂરી માર્ગદર્શન અપાયું છે અને ટેસ્ટિંગ પ્રક્રિયામાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સમગ્ર આયોજન સફળતા પૂર્વક પાર પડે તે માટે વિવિધ 12 ટીમનું ગઠન કરી આખરી ઓપ અપાયો છે તેમજ ટેસ્ટિંગ માટે 50થી વધુ મેડિકલ ટીમને તૈનાત કરાઈ છે.

(9:58 pm IST)