Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જર્કની બોડીમાં લીગલ મેમ્બરની નિમણૂંક કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ

ગુજરાત સરકાર તથા જર્ક સામે હાઇકોર્ટે નોટિસ કાઢી:14મી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ

અમદાવાદઃ જર્કની બોડીમાં લીગલ મેમ્બર નહીં હોવા છતાં જર્ક મેનેજમેન્ટ દ્વારા 5 વર્ષના સમયગાળા માટે રેગ્યુલેશન નક્કી કરવા સામે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે હાઇકોર્ટમાં રીટ અરજી કરી હતી. જેની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. દેસાઇએ ગુજરાત સરકાર તથા જર્ક વિરુધ્ધ નોટિસ કાઢીને જવાબ રજૂ કરવા માટે હુક્મ કર્યો છે. આ રીટની વધુ સુનાવણી 14 સપ્ટેમ્બર પર મુકરર કરી છે.

અરજદાર ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના ( અખિલ ભારતીય )પ્રમુખ મુકેશ પરીખ તરફથી સીનિયર કાઉન્સીલર નિરુપમ નાણાંવટીએ એવી રજૂઆત કરી હતી કે,જર્ક દ્વારા 10 ઓગસ્ટના રોજ પબ્લિક નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ નોટિસ ઇન્ડિયન ઇલેક્ટ્રીકસિટી એક્ટ 2003 અન્વયે મલ્ટી યર ટેરિફ રેગ્યુલેશન એક્ટ 2021 નક્કી કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી સૂચનો, મંતવ્યો અને અભિપ્રાયો 14 સપ્ટેમ્બર સુધી માંગવામાં આવ્યા હતા.

અન્ય પબ્લિક નોટિસ પ્રસિધ્ધ કરી તા.18 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નિર્ધારિત કરવામાં આવી હતી. જર્કની બોડીમાં અત્યારે લીગલ મેમ્બર ( કાનૂની તજજ્ઞ)ની નિયુક્તિ થઇ નથી. લીગલ મેમ્બર ન હોવા અંગે જર્ક અંગે સમિતિએ મુખ્યમંત્રી સહિત ગુજરાત ઇલેક્ટ્રીક સિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન સમક્ષ વિરોધ નોંધાવીને રજૂઆતો કરી હતી. છતાં સક્ષમ સત્તાવાળાઓએ ગેરકાયદેસર કાર્યવાહી બંધ કરી ન હતી. જેથી હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે

વધુમાં એવી રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે તા. 12 એપ્રિલ 2018 રોજ એક પીટિશનમાં ગુજરાત સરકારને લીગલ મેમ્બરની નિમણૂંક કરવા હુક્મ કર્યો હતો. સરકાર દ્વારા જર્કની બોડીમાં લીગલ મેમ્બરની નિમણૂંક માટે કાર્યવાહી ચાલે છે. પરંતુ જર્કના ચેરમેન થકી સમગ્ર કાર્યવાહીમાં લીગલ મેમ્બરની બાદબાકી કરવા હેતુથી બિનજરૂરી ઉતાવળ કરવામાં આવી રહી છે. જે સખત વાંધાજનક, ટીકાપાત્ર અને સુપ્રીમ કોર્ટની અવમાનના અને અવગણના છે. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉપર્યુક્ત હુક્મ કર્યો છે.

(11:17 pm IST)