Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પેટ્રોલના ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અબ કી બાર પેટ્રોલ 100 કે પારના બેનર્સ સાથે વિરોધ

વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી

અમદાવાદ :  પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો છે. કોગ્રેસના કાર્યકર્તા અને નેતાઓએ અબ કી બાર પેટ્રોલ 100 કે પારના બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

 ભાવ વધારાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સામાન્ય પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રાજ્યના મોટાભાગના સ્થળો પર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે

. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરોમાં પેટ્રોલના ભાવની સેન્ચ્યુરી વાગી ગઈ છે. અમદાવાદમાં પેટ્રોલ 100.08 રૂપિયે પ્રતિલીટર મળતું થઈ ગયું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ છેલ્લા ઘણા સમયથી 97 થી 98 વચ્ચે રહેવાના કારણે લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવા સમયે શહેરમાં હવે પેટ્રોલના ભાવ 100ના જાદુઇ આંકડાને પાર કરી ગયા છે. ત્યારે કોંગ્રેસે આ બાબતે વિરોધ કર્યો છે.

(9:27 am IST)