Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમદાવાદમાં 262 જેટલી સ્કૂલોને ફાયર એનઓસીના મુદ્દે સીલ કરતા શાળા સંચાલકોની 13મીએ બેઠક યોજાશે

બેઠકમાં 3 મુદ્દાઓ પર ચર્ચા બાદ શાળા સંચાલકો દ્વારા ભાવિ રણનિતી ઘડી કાઢવામાં આવશે

ગાંધીનગર: ફાયર સીસ્ટમને લઇને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની કેટલીક શાળાઓને સીલ કરી દીધી હતી. આ પ્રશ્ન સહિત અમદાવાદની શહેરના શાળા સંચાલકોમાં છેલ્લા 6 માસથી કેટલાંક બીજા મહત્વના પ્રશ્નો સામે આવ્યા હોવાથી તે મુદ્દે આગળની કાર્યવાહી કરવા માટે શહેર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી તા. 13 ઓક્ટોબરના રોજ એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન શાળાઓને સીલ મારવા અંગેનું હોવાનું જાણવા મળે છે. હાલમાં જ કોર્પોરેશન દ્વારા શહેરની 262 જેટલી સ્કૂલોને ફાયર એનઓસીના મુદ્દે સીલ મારવામાં આવ્યા બાદ આ મુદ્દે હવે સંચાલકો ભાવિ રણનીતિ ઘડી કાઢવા માટે ભેગા થશે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એનઓસીના મુદ્દે સ્કૂલો પર સરકારી તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ફાયર એનઓસીના મુદ્દે સૌ પ્રથમ 39 સ્કૂલોને સીલ મારવામાં આવ્યા બાદ બીજા તબક્કામાં 214 સ્કૂલોને ક્લોઝરની નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ વધુ 9 સ્કૂલોને સીલ મારવામાં આવી હતી. આમ, ટૂંકા ગાળામાં જ અમદાવાદની 262 સ્કૂલોને સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્કૂલોને બીયુ પરમીશનને લઈને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ, છેલ્લા છ માસથી કોરોનાના કારણે શાળા સંચાલકો એકત્ર થઈ શકતા ન હોવાથી મહત્વના કહી શકાય તેવા પ્રશ્નોને લઈને ચર્ચા થઈ ન હતી. જોકે, હવે રાજ્યમાં કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે અને સરકાર દ્વારા પણ 400 લોકો એકત્ર થઈ શકે તે માટેની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા સ્કૂલોના મહત્વના 3 પ્રશ્નોને લઈને આગામી 13 ઓક્ટોબરના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બોપેર 4 વાગ્યે સોલા રોડ ખાતે આવેલી નેશનલ હાઈસેકન્ડરી સ્કૂલ ખાતે મળશે.

આ બેઠકમાં શાળાઓની બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસી અને કોરોનાના અસરથી વર્ગ ઘટાડા સંદર્ભે ચર્ચા થશે. સંચાલકોની સામાન્ય સભામાં આ ત્રણ મુદ્દાઓ પર ખાસ ભાર મુકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલમાં અનેક સ્કૂલો સીલ હોવાથી આગામી પ્રથમ કસોટીને લઈને ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. ઉપરાંત સ્કૂલોને અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો હોઈ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા બાદ આગળની રણનિતી નક્કી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે

(1:03 am IST)