Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કોરોના કાળમાં ૩ થી ૧૨ વર્ષના બાળકોમાં આંખના રોગોનું પ્રમાણ વધ્યું : ગેજેટ્સ જવાબદાર

કોરોના કાળમાં સ્ક્રીન ટાઇમ વધી જતાં આંખની તકલીફોમાં વધારો થયો

અમદાવાદ તા. ૮ : કોરોના કાળમાં સ્ક્રીન ટાઈમ વધી જતાં આંખની તકલીફોમાં વધારો થયો છે. આ સમસ્યાઓ વિશે વાત કરવા શનિવાર અને રવિવારે બે દિવસની કોન્ફરન્સ યોજાવાની છે. અમદાવાદ ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના યજમાન પદ હેઠળ ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીની ૪૮મી વાર્ષિક અને પ્રથમ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર-રવિવાર દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં મોતિયા અને આંખના પડદાના રોગોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવશે. કોવિડ બાદ ૩થી ૧૨ વર્ષના બાળકોમાં આંખના રોગોમાં ૩૦થી ૫૦ ટકાનો વધારો નોંધાયો હોવાનું ડો. જગદીશ રાણાએ જણાવ્યું છે.

આ અંગે ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. જગદીશ રાણા, ચેરમેન ડો. પરિમલ દેસાઈ અને ટ્રેઝરર ડો. ભાવિક ઝાલાએ જણાવ્યું હતું કે, આગામી શનિવાર અને રવિવારે યોજાનારી કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આંખના રોગો ક્ષેત્રે કાર્યરત તબીબોને આંખના રોગોની સારવાર તથા સર્જરીની પ્રક્રિયામાં નવીનત્ત્।મ ટેકનોલોજી અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ મુજબ, આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રાજય અને દેશના નિષ્ણાતો ઉપરાંત બ્રાઝિલના ડો. સર્જીયો કેનબ્રાવા, જાપાનના શીન યમને, સિંગાપોરના ડો. સુન-ફેઈક ચી, યુએસના ડો. નિકોલ ફ્રામ, ડો. ઔદરે રોસ્ટોવ, ડો. મારિયા રોમેરો, ડો. કેવિન મિલર, ઈજિપ્તના ડો. અશરફ અર્મિયા અને ડો. અહેમદ દ્વારા મોતિયો અને આંખના પડદાના રોગોની અત્યાધુનિક સારવાર અને સર્જરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સમાં વધુમાં વધુ તબીબો ભાગ લઈ શકે તે માટે કોન્ફરન્સનું રજિસ્ટ્રેશન નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ આંખના તબીબોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મ્યુઝિકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના દરમિયાન બાળકોમાં ઈલેકટ્રોનિકસ ગેજેટ્સના વધુ પડતાં ઉપયોગ અને આઉટડોર એકિટવિટીના અભાવે ૩થી ૧૨ વર્ષના બાળકોમાં આંખને લગતા રોગોમાં ૩૦થી ૫૦ ટકાનો વધારો થયો છે. જેમાં બાળકોમાં આંખ સૂકી થવી અને ચશ્માના નંબર આવ્યાની તકલીફોમાં વધારો થયો હોવાનું ડો. જગદીશ રાણાએ જણાવ્યું છે.

(10:47 am IST)