Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતમાં નવરાત્રિ વખતે જ સ્કૂલના બાળકોમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર ઉંધા માથેઃ કોરોના પોઝીટીવવાળી શાળાઅો બંધ કરાવાઇ

ઉધનાની લીયો સ્કૂલ, અડાજણ પાલ રોડની ભુલકા વિહાર અને ઍલ.પી. સવાણી તથા પાલનપુર જકાતનાકા પાસે વિદ્યાકુંજ સ્કૂલમાં વિદ્યાર્થીઅોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ

સુરતઃ રાજયમાં હાલ નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતની એક શાળામાં કોરોના વાયરસના કેસ સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાત દિવસ માટે શાળા બંધ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.

સુરતમાં શહેરમાં આ પહેલા એક સોસાયટીમાં કોરોના વાયરસના કેસ સામે આવતા તંત્ર દ્વારા ભારે દોડધામ મચી ગઈ હતી અને તે સોસાયટીને સીલ કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ સુરત શાળાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તાત્કાલિક અસરથી શાળા બંધ કરાવી દેવામાં આવી રહી છે. જોકે આ મામલે આરોગ્ય તંત્ર સતત દોડી રહ્યું છે,પરંતુ લોકોએ પણ હજી સતર્ક રહેવાની જરૂર છે. ઉધના સ્થિત લિયો સ્કૂલ, અડાજણ-પાલ રોડ સ્થિત ભૂલકા વિહાર, અડાજણ નજીક આવેલી એલપી સવાણી સ્કૂલ અને પાલનપુર જકાતનાકા તરફ આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સતત શાળાઓમાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે અને હજી પણ એ કામગીરી યથાવત છે, પરંતુ શાળામાંથી કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવતાની સાથે જ પાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે વિદ્યાર્થીના પરિવારજનોનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તમામ સભ્યો રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તંત્રે તાત્કાલિક અસરથી શાળા સાત દિવસ માટે બંધ રાખવા હુકમ કર્યો હતો અને એ જ પ્રકારે આ શાળાઓ તબક્કાવારે બંધ કરવામાં આવી છે.

(5:55 pm IST)