Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળકીના જન્મ બાદ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા મોત નિપજતા અરેરાટી

સુરત: શહેરના પાંડેસરામાં આજે સવારે મહિલાની ઘરે પ્રસૂતિ થતા નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જોકે 108 એમ્બ્યુલન્સ સમયસર નહી આવતા બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ તેના  સંબંધીએ કર્યા હતા.

 નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય મોન્ટુબેન યાદવને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા થઈ હતી.  ઘરે જ પ્રસુતિ થતા નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીની હાલત ગંભીર હતી. જેથી 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીના સંબંધીએ કહ્યુ કે  પ્રસૃતિ થયા બાદ 108ને જાણ કરી હતી પણ 108 સમય પર ન આવતા બાળકીનું મોત થયુ હોવાના આરોપ મુક્યો હતો. જયારે સુરત 108ના ઓફિસર ફિયૈઝખાન પઠાણે કહ્યુ કે એમ્બ્યુલન્સ સમય પર જ ઘરે પહોચી ગઇ હતી. પણ ઘરે નવજાત બાળકી અને તેની માતા ન હતા. બાળકીના પિતા હતા. માતા અને બાળકીને નજીકની ખાનગી  હોસ્પિટલમાં  ખસેડાયા હતા. તેથી ત્યાંથી  પ્રાઇવેટ હોસ્પિટલ પહોચીને બાળકીને ઇ.એમ.ટી.એ ચેક કર્યુ ત્યારે બાળકી મૃત હાલતમાં હતી. પણ તેમના પરિવારના સભ્યો ને બાળકી જીવતી હોવાની શંકા હતી. તેથી સિવિલમાં લઇ ગયા હતા. ત્યાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી. તેમના પરિવારજનો ખોટા આક્ષેપ કરી રહ્યા છે.  મોન્ટુબેન મુળ ઉતરપ્રદેશના બાંદાના વતની છે. તેને  સંતાનમાં એક પુત્રી છે. તેના પતિ મજુરી કામ કરે છે.

(6:09 pm IST)