Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કરમસદ-સંદેશર રોડ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ઝડપી 9 શખ્સોને જેલ હવાલે કર્યા

આણંદ:જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે, કરમસદ ખાતે રહેતો મહન્દ્રભાઈ જીવણભાઈ તળપદા કરમસદ મેડીકલ પાછળ સંદેશર રોડ પાસેની ઝાડી-ઝાંખરામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને અમદાવાદ સપ્લાય કરે છે. જેના આધારે પોલીસે એસઆરપી સાથે છાપો મારતાં મહેન્દ્રભાઈ તળપદા અને મહેશભાઈ તળપદા ફરાર થઈ જવા પામ્યા હતા. જ્યારે ત્રણ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. સ્થળ પરથી એક્ટીવા, બાઈક, રીક્ષા અને સ્વીફ્ટ ડીઝાયર કાર મળી આવી હતી જેમાંથી દેશી દારૂના પોટલા મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા કુલ ૬૩૩ લીટર દેશી દારૂ થવા પામ્યો હતો પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં મહેન્દ્રભાઈ ઉર્ફે શંભુ જયંતિભાઈ પરમાર તેમજ અમદાવાદથી સ્વીફટ કારમાં દેશી દારૂની ડીલીવરી લેવા આવેલા ભરતભાઈ રાજનભાઈ ઠાકોર અને સબ્બીર નુરૂભાઈ શેખ હોવાનું જણાવ્યું હતુ.

મહેન્દ્રની પૂછપરછ કરતા નજીકમાં જ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ આવેલી હોવાનું જણાવ્યું હતુ જેથી તપાસ કરતા બે ભઠ્ઠીઓ મળી આવી હતી. જ્યાંથી ૧૮૪૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોસ અને ૧૯૦ કિલો અખાદ્ય ગોળ મળીને કુલ ૨.૮૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા અમદાવાદના બન્ને શખ્સોને અમદાવાદ ગોમતીપુર ખાતે રહેતો જમશેદ શેખ દેશી દારૂ લેવા માટે મોકલતો હતો. છેલ્લાં પાંચ દિવસથી નિયમિત તેઓ આ રીતે દેશી દારૂ અમદાવાદ લઈ જતા હોવાનું જણાવતા પોલીસે કુલ છ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે બાકરોલ ગામની ખોખર સીમમાં છાપો મારીને એવિયેટર ઉપર બે થેલામાં દેશી દારૂની હેરાફેરી કરતા મુખ્ય સુત્રધાર શનાભાઈ ઉર્ફે કાંતિભાઈ અમરસિંગ તળપદાને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેના મકાન પાસે છાપો ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે દિપકભાઈ શનાભાઈ ઉર્ફે કાંતિભાઈ અમરસિંગ તળપદા, ચંદુભાઈ મંગળભાઈ તળપદા, સુનીલભાઈ પુનમભાઈ તળપદા, અનિલભાઈ વિઠ્ઠલભાઈ તળપદા અને લાખાભાઈ રમણભાઈ તળપદાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧૯૮૮૦નો કુલ ૯૯૪ લીટર દેશી દારૂ, ૨૩૨ જેટલા લોખંડના પીપમાં મુકેલો દેશી દારૂ ગાળવાનો ૯૨૮૦૦ની કિંમતનો ૪૬૪૦૦ લીટર વોશ, બે એક્ટિવા, એવિયેટર, મોબાઈલ ફોન સહિત કુલ ૨,૧૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા મુખ્ય સુત્રધાર શનાભાઈ ઉર્ફે કાંતિભાઈની પૂછપરછ કરતાં છેલ્લા બે મહિનાથી આ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી હતી અને દરરોજ મોટાપાયે દેશી દારૂનું ઉત્પાદન કરીને નડિયાદના પ્રતિકભાઈ મનુભાઈ તળપદા, આણંદના રમીલાબેન રઈજીભાઈ વસાવા અને મંજુલાબેન મણીલાલ પરમારને વેચતા હતા. આ કબૂલાતના આધારે પોલીસે નવેય વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી.

(6:15 pm IST)