Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજ્યમાં ડિસેમ્બરમાં યોજાનારી 10,312 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી : ગ્રામ પંચાયત દીઠ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાશે

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. આ ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ડિસેમ્બરમાં યોજાનારી 10,312 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પર રાજકીયપક્ષોની મીટ મંડાયેલી છે.

ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે પાટનગર ગાંધીનગર મનપાની સામાન્ય, ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર અને અન્ય કેટલીક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લાપંચાયતમાં ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી સંપન્ન થઇ અને તેના પરિણામ પણ જાહેર થઇ ગયા છે.

કઇ ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક અનામત, સ્ત્રી અનામત કે સામાન્ય રહેશે તેના જાહેરનામા પ્રસિદ્ધ થઇ રહ્યા છે.

10 ઓક્ટોબર પછી ગ્રામ પંચાયત દીઠ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ પણ કરાશે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં 14 હજાર જેટલી ગ્રામ પંચાયતો છે તેમાંથી મોટાભાગની પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાનાર હોવાથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાવો જોવા મળશે.

(10:01 pm IST)