Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગેસ સિલિન્ડર ફ્રીમાં ના આપતા સગીરે યુવકની હત્યા કરી

ઘટના સીસીટીવીમાં કેદ : ગેંગવોરની બનેલી ઘટના બાદ હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કિશોરે ચપ્પાના ઘા માર્યા હતા

અમદાવાદ, તા.૭ : શહેરનો પૂર્વ વિસ્તાર ફરી એક વખત ગુનેગારોનું એપી સેન્ટર બની ગયું છે. અમરાઈવાડીમાં એક જ દિવસમાં હત્યા, મારામારી જેવા બે ગંભીર ગુનાઓ બન્યા છે. પહેલા ગેંગની અંગત અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો થયો અને બાદમાં બીજો બનાવ હત્યાનો બન્યો છે. સામાન્ય બાબતમાં હત્યાની ઘટના બની છે. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં એક જ દિવસમાં બે લોહિયાળ ખેલ ખેલાયા છે. જો ઘટનાની વાત કરીએ તો બપોરના સમયે અમરાઈવાડી જોગેશ્વરી રોડ પાસે અર્જુન મુદલિયા નામના યુવક પર સત્યા ગેંગના આરોપીઓએ ઉપરા છાપરી લાકડીઓના ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો. ઇજાગ્રસ્ત અર્જુન પર હુમલો કર્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી સત્યા ઉર્ફે સતીશ ઉપાધ્યાય, મનોજ ઉપાધ્યાય, નાયડુ આકાશ ,ગોલું અને ડીમ્પી નામના આરોપી ભેગા મળી લાકડીના ફટકા મારી અર્જુન પર જીવલેણ હુમલો કર્યો હતો.

        ગેંગ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મારામારીના બનાવમાં આરોપી ટોળકી અને ઇજાગ્રસ્ત યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગેંગવોરની બનેલી ઘટના બાદ રાત્રે ૯ વાગ્યે હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કિશોરે ચપ્પાના ઘા માર્યા હતા. જેમાં કિરણ સોલંકીનું મોત થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ ગેસ સિલેન્ડરનો બાટલો છે. મૃતક કિરણ ગેસ સિલિન્ડર એજન્સીમાં નોકરી કરતો હતો અને કિરણના પાડોશમાં રહેતા સગીર ગેસ સિલિન્ડર ફ્રી માં માંગવા આવ્યો હતો. જોકે મૃતક કિરણે ગેસ સિલિન્ડર ફ્રી માં આપવાની ના પાડી હતી અને તેના પૈસા માંગ્યા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં સગીરે કિરણને હાટકેશ્વર સર્કલ બોલાવ્યો હતો અને ત્યાં છરી વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ અમરાઈવાડી પોલીસે આરોપીને ઝડપ્યો ન હોવાથી પરિવારજનો લાશ સ્વીકારવાનો ઇક્નાર કરી રહ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો બેખોફ બન્યા છે. હાલ થયેલ બે ગંભીર બનાવોમાં પોલીસે હજુ એક પણ આરોપીની ધરપકડ કરી ન હોવાથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

(9:18 pm IST)