Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં અસામાજિકો બેખોફ :અમરાઇવાડીમાં એક જ દિવસમાં બે જીવલેણ હુમલા: યુવાનનું મોત

સગીરે ગેસનો સિલિન્ડર ફ્રી લેવા માટે 28 વર્ષીય યુવકને છરીના ઘા મારીને હત્યા કરી: લાકડા ગેંગ અને સત્યા ગેંગ વચ્ચે ગેંગવોર :વસ્ત્રાલમાં મેન્ટેનન્સ બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ

અમદાવાદ : અમદાવાદમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે અમરાઇવાડીમાં એક જ દિવસમાં બે જીવલેણ હુમલાના બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રથમ બનાવમાં એક સગીરે ગેસનો સિલિન્ડર ફ્રી લેવા માટે 28 વર્ષીય યુવકને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. બીજા બનાવમાં લાકડા ગેંગ અને સત્યા ગેંગ વચ્ચે જુગાર દારૂના અડ્ડાના હિસાબ મામલે સત્યા ગેંગના 6 શખ્સોએ લાકડા ગેંગના એક યુવકને હોકી તેમજ લોખંડની પાઇપો વડે ફટકાર્યો હતો. બાદમાં સત્યા ગેંગના સતિષે મટનના છરા વડે અર્જુન પર હુમલો કરીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. આરોપીઓ પોલીસની જ નજર સામે નાસી ગયા હતા.

મંગળવાર બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં એક સોસાયટીમાં મેઇન્ટેનન્સ મામલે બે રહીશ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક શખ્સે 'હું મેઇન્ટેનન્સ નહીં આપું' તેમ કહીને રિવોલ્વર વડે બીજી વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતુ. જે બાદ આરોપી નાસી ગયો હતો. ત્રણેય ઘટનાઓમાં પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.

મફતમાં ગેસ સિલિન્ડર આપવાની ના પાડતા સગીરે હત્યા કરી
હાટકેશ્વર વિસ્તારમાં રહેતો કિરણ સોલંકી નામનો યુવક ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો. જેથી પાડોશમાં રહેતા 17 વર્ષીય સગીરે થોડા દિવસ પહેલા કિરણને કહ્યું કે, તું મને ગેસ સિલિન્ડર ફ્રીમાં આપ. જેથી કિરણે સગીરને કહ્યું કે, ગેસ સિલિન્ડર ફ્રીમાં નહીં મળે, પૈસા આપ તો જ ગેસ સિલિન્ડર મળશે. જેથી સગીરે બીભત્સ શબ્દો બોલી કિરણ સાથે ઝઘડો કર્યો હતો અને તેની હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો.

આથી સગીરે સોમવાર રાતના 9 વાગ્યે હાટેકશ્વર સર્કલ પાસે કિરણને કામ છે તેમ કહીને બોલાવ્યો હતો. જ્યાં 'તું મને ગેસ સિલિન્ડર કેમ ફ્રી માં આપતો નથી' કહીને કિરણ સાથે ઝઘડો કર્યો હતો. જેથી કિરણે ઝઘડો કરવાની ના પાડતા સગીરે છરી વડે તેની પર હુમલો કરી દીધો હતો. સગીરે કિરણને પાંચથી વધુ છરીના ઘા મારતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. કિરણને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ હાજર તબીબે કિરણને મૃત જાહેર કર્યો હતો.

હત્યા મામલે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધીને સગીરની અટકાયત કરી હતી. મહત્વનું છે કે, સગીર સામે ગૃનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે નથી પરંતુ અગાઉ નજીવી બાબતે તેના પરિવારજનો પર પણ સગીરે હુમલો કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, લાકડા ગેંગ અને સત્યા ગેંગ વચ્ચે થયેલી ગેંગવોરમાં પોલીસ હજુ સુધી આરોપીઓની પકડી શકી નથી.

  વસ્ત્રાલમાં આવેલા વૃંદાવન સ્કાયલેન્ડમાં ઇશ્વર ઠાકોર પરિવાર સાથે રહે છે. તેઓ સોસાયટીના સેક્રેટરી પણ છે. તેમની સોસાયટીમાં રહેતો પ્રદીપ રાજપૂતનું છેલ્લા 10 મહિનાથી મેઇન્ટેનન્સ બાકી હતું. આથી ઇશ્વર ઠાકોર અવારનવાર પ્રદીપ પાસે મેઇન્ટેનન્સની ઉઘરાણી કરતા હતા, પરંતુ પ્રદીપ આપતો ન હતો.

(12:21 am IST)