Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત માછીમારો માટે રૂા. ર૬પ લાખનું માછીમાર રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર : પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

બોટ જાળ/ સાધન સામગ્રીના નુકશાન માટે સહાય પેટે નુકશાનીના ૫૦% અથવા રૂા.૩૫ હજાર સુધી બેમાંથી જે આછું હોય તે સહાય મળવાપાત્ર :અંશત: નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં નુકશાનીના અંદાજના ૫૦% ટકા અથવા રૂા. ર લાખ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર: અંશત: નુકશાની પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર બોટના કિસ્સામાં રૂા. પાંચ લાખ કે રૂા. ૧૦ લાખ સુધીની લોન મેળવે તો ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે

અમદાવાદ :મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલ છે તેવા માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રૂા. ર૬૫ લાખનું સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમારોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લઇને પેકેજ જાહેર કરાયું છે. જેના પરિણામે માછીમારો તથા તેમના પરિવારના જીવનનિર્વાહ માટે મદદરૂપ થશે.
મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં માછીમારી વ્યવસાયમાં ૧૭,૫૫૭ નાની બોટો તથા ૧ર,૧૫૯ મોટી બોટ મળી કુલ ર૯,૭૧૬ બોટો સંકળાયેલ છે. આ પૈકી ૪ નાની બોટો તથા ૪૬ મોટી બોટોને આંશિક નુકશાન થયું છે.કુલ ૫૦ બોટોને તેમજ માછીમારી જાળ/ અન્ય સાધન-સામગ્રીને અંદાજે રૂા. ર૬૫ લાખનું નુકશાન થયું છે એ માટે આ રાહત પેકેજ જાહેર કરાયું છે
રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓની વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું કે, બોટ જાળ/ સાધન સામગ્રીને થયેલ નુકશાન સામે સહાય પેટે થયેલા નુકશાનના ૫૦% અથવા રૂા.  ૩૫,૦૦૦/- સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તે ઉપરાંત અંશત: નુકશાન પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૨.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. અંશત: નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૩૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૭૫,૦૦૦/ - બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૫.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત અંશત : નુકશાની પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૫.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાના કારણે થયેલ માછીમારોને નુકશાન અન્વયે જે રાહત પેકેજ મંજૂર કરાયું હતું તેની જોગવાઇ મુજબ જ આવી નુકશાન પામેલ બોટો માટે માછીમાર રાહત પેકેજ-ર૦ર૧ જાહેર કરાયું છે.

 

(8:13 pm IST)