Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં ટોચના સાલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા

સ્ટીલ, હોસ્પિટલ, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સાલ ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર શાહ - કરણ શાહના નિવાસસ્થાન - ઓફિસ સહિત ૧૦થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહીથી ખળભળાટ - મુંબઇની ઇન્કમટેકસ વીંગ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૮ : છેલ્લા એક મહિનાથી અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્થળોએ આવકવેરા વિભાગે સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરીને મોટી રકમની બેનામી વ્યવહારો ઝડપી પાડયા છે ત્યારે આજે વહેલી સવારથી ગુજરાતના ટોચના સાલ ગ્રુપ ઉપર મુંબઇ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામેલ.  સ્ટીલ, હોસ્પિટલ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ગુજરાતનું ટોચનું સાલ ગ્રુપ ઉપર આજે વહેલી સવારે ૬ કલાકથી દરોડાની કાર્યવાહી હાથ ધરાવતા ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સાલ ગ્રુપ ઉપર પાડવામાં આવેલા દરોડામાં મોટાભાગના અધિકારીઓ ગુજરાત બહારના હોવાનું જણાય રહ્યું છે. આ કાર્યવાહીમાં દિલ્હી, મુંબઇ યુનિટના અધિકારીઓ જોડાયાનું જાણવા મળે છે. અમદાવાદ સાલના ચેરમેન રાજેન્દ્રભાઇ શાહ - કરણભાઇ શાહ સહિતના નિવાસસ્થાન અને ઓફિસ સહિત ૧૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાલ ગ્રુપ ઉપર પડેલા આવકવેરાના દરોડાથી આરોગ્ય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી રહી છે.

આવકવેરા વિભાગ દ્વારા સાલ ગ્રુપ ઉપર પડેલા દરોડા કેટલા સ્થળોએ છે તેની કોઇ સત્તાવાર જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં નથી આવી.

સાલ ગ્રુપ ઉપર પાડવામાં આવેલા દરોડામાં મુંબઇ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેનના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. સુરધારા સર્કલ નજીક આવેલા મણીચંદ્ર વિભાગ-૫ માં નિવાસસ્થાને આવકવેરાની તપાસ ચાલુ છે.

આવકવેરા વિભાગે તાજેતરમાં રિયલ એસ્ટેટ જુથના ગ્રુપ ઉપર દરોડા પાડી મોટી રકમના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડેલ.

(3:22 pm IST)