Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વડોદરામાં રખડતા પશુઓનો મુદ્દો ઉકેલવો કોર્પોરેશન તંત્ર માટે પડકારજનકઃ પશુઓને પકડવા જાય તો માલધારીઓ કરે છે હૂમલાઃ ઢોર માલિક સામે પાસા હેઠળ કાર્યવાહી

મેયર કેયુર રોકડિયા દ્વારા પોલીસ કમિશનરને અરજી બાદ કાર્યવાહી

વડોદરા: ગુજરાત માટે હાલ સૌથી મોટો સવાલ રખડતા ઢોરનો છે. રખડતા ઢોર દ્વારા વારંવાર હૂમલા કરવામાં આવે છે. જેના કારણે અનેક લોકોનાં મોત તો અનેક લોકોને મરણતોલ ઇજાઓ થયાનું સામે આવ્યું છે. હાલમાં જ ઘણા કિસ્સા એવા સામે આવ્યા જેમાં રખડતા ઢોર દ્વારા વ્યક્તિને ખુંદી નાખવામાં આવ્યો હોય. જો કે કોર્પોરેશન અને તંત્ર સામે હાલ આ સમસ્યાનો ઉકેલ લાવવો સૌથી મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી જો રખડતા ઢોરને પકડવા માટે જાય છે તો તેના પર માલધારીઓ દ્વારા હૂમલા કરવામાં આવે છે.

જો કે વડોદરાના મેયર દ્વારા આવું કઇ જ નહી ચલાવી લેવાની નેમ સાથે અનોખી પહેલ કરવામાં આવી છે. કેયુર રોકડિયા દ્વારા પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી કે, જે ઢોર દ્વારા હૂમલો થાય તેના માલિક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે. જેના પગલે પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. 19 વર્ષના રોહિત ભરવાડ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેયરની અરજીને ધ્યાને રાખીને હવે હૂમલો કરનાર ઢોરના માલિક વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે આ કાર્યવાહીના પગલે માલધારીઓ લાજવાને બદલે ગાજ્યા હતા. મેયર પાસે રજુઆત કરવા માટે પહોંચી ગયા હતા. જો મેયર અને કમિશ્નર તેમની વાત ન માને તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે નરી વાસ્તવીકતા છે કે, પશુપાલકો સાંજે દોહ્યા બાદ ઢોરને ખુલ્લામાં રખડતા મુકી દે છે. જ્યારે દોહવાનો ટાઇમ આવે ત્યારે પકડીને દોહી લે છે અને ફરી રખડતા મુકી દે છે. જેના કારણે ઢોર કચરો, પ્લાસ્ટિક ખાવા મજબુર તો બને જ છે ઉપરાંત રોડ રસ્તા પર બેસી રહેવાના કારણે લોકોને અડચણરૂપ થાય છે. આ ઉપરાંત ઘણીવાર લોકોને અડફેટે પણ લે છે. ઉપરાંત ઢોર તડકો, ઠંડી, વરસાદમાં જ્યાં ત્યાં રખડતા રહે છે.

(4:41 pm IST)