Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

આણંદ જિલ્લાના ભાલેજ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઇજાથી મોત

આણંદ:જિલ્લાના ભાલેજ ગામના રેલ્વે ફાટક નજીક ગત રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક મોટરસાયકલ આગળ જતી ટ્રકની પાછળના ભાગે અથડાતા મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના સરદારપુરા ગામે વગડા વિસ્તારમાં રહેતો રણજીત સુરેશભાઈ પરમાર ગઈકાલ રાત્રિના સુમારે મોટરસાયકલ ઉપર સવાર થઈ પોતાની સાસરી ડભાલી ગામે જવા નીકળ્યો હતો. દરમ્યાન તેઓની મોટરસાયકલ રાત્રિના લગભગ ૮ઃ૩૦ કલાકની આસપાસના સુમારે ભાલેજ સારસા રોડ ઉપર આવેલ ભાલેજ ગામના રેલ્વે ફાટક નજીકથી પસાર થઈ રહી હતી.ચાલક રણજીત પરમારે પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા આગળ જઈ રહેલ ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ રણજીતને ભાલેજના સરકારી દવાખાનામાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જો કે તે પૂર્વે જ રણજીત પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:24 pm IST)