Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતમાં ૧૨ સાયન્સમાં ભણતી છોકરીને કોરોના

૧૦૦ સ્ટૂડન્ટ્સનો ટેસ્ટ કરી સ્કૂલ બંધ કરાવાઈ : કોર્પોરેશને રાત્રે ૧૧.૩૦ કલાકે સ્કૂલ બંધ રાખવાનો મેસેજ કર્યો, સવારે સ્કૂલે પહોંચી ગયેલા સ્ટૂડન્ટ્સને ઘરે મોકલ્યા

સુરત,તા.૮ :  ગુજરાતમાં હજુ સુધી જામનગરમાં માત્ર એક જ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે, આમ છતાં કોરોનાના નવા કેસમાં વધારો થતા ફરી એકવાર ત્રીજી લહેરની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આવામાં ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા જેટલો ભયાનક ના હોવાનું પણ ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. આમ છતાં સુરતની એક સ્કૂલમાં કોરોનાના કેસને જોતા કોર્પોરેશન દ્વારા સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ શહેરના અડાજણમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે સ્કૂલના વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તમામના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા. આજે પણ જરુરિયાતવાળી જગ્યાઓ પર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માસ ટેસ્ટિંગનું આયોજન કરાશે. શહેરમાં કોરોનાના વધુ ૭ નવા કેસ નોંધાયા છે. 

          કોરોનાનો કેસ આવ્યા પછી સ્કૂલ બંધ રાખવામાં આવી હોવા અંગે વિદ્યાર્થીઓ કે વાલીઓને જાણ ના હોવાથી સવારમાં વિદ્યાર્થીઓ સંસ્કાર ભારતી સ્કૂલે પહોંચી ગયા હતા. આ પછી વિદ્યાર્થીઓને કોરોના વકરે નહીં તે માટે પરત મોકલવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા એવી વિગતો આપવામાં આવી રહી છે કે વિદ્યાર્થિની રજા પર હતી તે દરમિયાન કોરોના થયો છે અને તે પછી વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવી હતી. આ પછી ગઈકાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્કૂલની મુલાકાત માટે આવી હતી. પોઝિટિવ વિદ્યાર્થિની ધોરણ-૧૨ સાયન્સની હોવાથી ધોરણ-૧૨ અને ૧૧ના ૧૦૦ વિદ્યાર્થીઓના કોરોના રેપિડ અને RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે.

            આમ છતાં રાત્રે સ્કૂલને કોર્પોરેશન દ્વારા સ્કૂલમાં રજા રાખવા અંગે જાણ કરવામાં આવી હતી જોકે, સ્ટાફને આ અંગે સવારે માહિતી મળતા સ્કૂલે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવ્યા છે. હવે એવી પણ બેદરકારી સામે આવી રહી છે કે જ્યારે સ્કૂલમાં કોર્પોરેશનની ટીમ ટેસ્ટિંગ માટે આવી અને આખી પ્રક્રિયા થઈ તે દરમિયાન સ્કૂલ બંધ રાખવા માટે કોઈ જાણ કરવામાં નહોતી આવી. આ પછી મોડી રાત્રે સંપર્ક કરવાની કોશિશ કરાઈ અને સ્કૂલને આજે સવારે રજા રાખવાની હોવાનું જાણવા મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના ૨૪ કલાકમાં વધુ ૬૧ નવા કેસ નોંધાયા છે અને તેની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૮,૨૭,૮૧૬ થઈ ગયો છે. ગઈકાલે એકપણ મૃત્યુ નથી નોંધાયું. ૨૪ કલાકમાં વધુ ૩૯ દર્દીઓ સાજા થયા છે અને કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૮,૧૭,૩૩૯ થઈ ગઈ છે.

(8:49 pm IST)