Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજ્યમાં બીટીપીનું ધોવાણ :આદિવાસી મસીહા તરીકે નામના મેળવનાર BTP નેતા છોટુભાઈ વસાવાની હાર

ઝઘડિયા બેઠક પર છોટુભાઈ વસાવાને 66185 જ્યારે ભાજપના રિતેશ વસાવાને 89552 મત મળ્યા

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોકાવનારા પરિણામો સામે આવ્યા છે.ભાજપે 150 કરતા વધુ બેઠકો પર જીત મેળવી છે તો બીજી બાજુ કોંગ્રેસનો સફાયો થયો છે.પણ આ તમામની વચ્ચે આદિવાસી મસીહા તરીકે નામના મેળવનાર BTP નેતા છોટુભાઈ વસાવાની ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠક પરથી ભાજપના રિતેશ વસાવા સામે 23367 મતે કારમી હાર થઈ છે.

 ઝઘડીયા બેઠક પર એક સમયના છોટુભાઈ વસાવાના અંગત રિતેશ વસાવાને ભાજપે ટીકીટ આપી હતી, ચૂંટણી બાદ ઝઘડિયા બેઠક છોટુભાઇ વસાવા જીતી જશે એમ લોકો કહી રહ્યા હતા.પરંતુ છોટુભાઈ વસાવાને 66185 જ્યારે ભાજપના રિતેશ વસાવાને 89552 મત મળ્યા હતા અને છોટુભાઇ વસાવાએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હારનું કારણ પ્રથમ તો છોટુભાઈ વસાવાના પરિવારમાં ચૂંટણી લડવાને લઈને વિવાદ હોઈ શકે.ચૂંટણી જાહેર થયા બાદ છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ઝઘડીયા બેઠક પર પોતાને જ BTP ના ઉમેદવાર જાહેર કરી પિતા છોટુભાઇની ટીકીટ કાપી નાખતા એમના પરિવારમાં ભારે વિવાદ થયો હતો.ઝઘડિયા બેઠક પર મહેશ વસાવાએ BTP માંથી જ્યારે પિતા છોટુભાઇ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.જો કે અંતે મહેશભાઈ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું.પરંતુ પરિવારમાં વિવાદને લઈને ચૂંટણીમાં છોટુભાઈ વસાવાની હાર થશે એવી ચર્ચાઓ પણ થઈ રહી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખેત ઝઘડિયા બેઠક હેડલાઈન્સમાં રહી હતી. આ બેઠક પર ચૂંટણી પહેલા વસાવા પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો.મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો.

થયુ પણ એવું જ છોટુભાઇ વસાવાની ભાજપના રિતેશ વસાવા સામે 23367 મતે કારમી હાર થઈ, અને છેલ્લાં 32 વર્ષથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા છોટુભાઇ વસાવાની હાર સાથે જ ગુજરાત માંથી BTP નો સફાયો થઈ ગયો છે.ઝઘડિયા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ઝઘડિયા બેઠક પર આ વખતે ચોપાંખિયો જંગ જામ્યો હતો.ભાજપે આ બેઠક પર રિતેશ વસાવાને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ફતેસિંહ વસાવા અને આમ આદમી પાર્ટીએ ઉર્મિલા ભગતને ચૂંટણીના મેંદાનમાં ઉતાર્યા હતા.

ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે.આ બેઠક પર હજુ સુધી એક પણ વખત ભાજપના ઉમેદવાર જીત્યા નથી.ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાને ગરીબોના મસીહા કહેવામાં આવે છે. આદિવાસીઓના હક માટે લડાઈ લડતા છોટુ વસાવા ગુજરાતની 15 ટકા આદિવાસી વોટ બેન્ક પર પકડ ધરાવે છે.

હાર બાદ છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ પૈસા અને EVM ની જીત છે.SC, ST, OBC અને માયનોરિટીના દેશના 85 ટકા લોકો EVM નો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરવા આંદોલન કરવું જોઈએ, બાકીના 15 ટકા લોકો દેશને લૂંટે છે એમને રાજ કરવા માટે જ EVM નો ઉપયોગ થાય છે.EVM ના હોય તો ભાજપ જીતે જ નહિ. નરેદ્રભાઈ મોદી તમે આ બધું છોડી દો તમને જો દેશના SC, ST, OBC અને માયનોરિટી 85 ટકા લોકો ગમતા ન હોય તો તમે એમને ગોળીથી ઉડાવી દો, એમને રીબાવવાનુ બંધ કરો. જો તમારા જેવા લોકો દેશમાં રાજ કરશે તો અમારા જેવા 85 ટકા લોકોની દેશમાં હસ્તી નહિ રહે.2024 લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ એ માટે આંદોલન કરવું જોઈએ.

(8:44 pm IST)