Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાના નિયમો તોડનારના ઘર બહાર ગધેડાઓનું ટોળું

જાબાળ ગામના સરપંચે નિર્ણય લીધો : સાવરકુંડલાના જાબાળ ગામમાં કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરનારાની ઘર સામે ગધેડાનું ટોળું ઉભું રખાશે

અમદાવાદ,તા.૮ : તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે, 'ગધેડાની નોકરી કરવા માટે ક્યારેય માણસને મોકલશો નહીં'. પરંતુ, અમરેલીના એક અંતરિયાળ ગામમાં તેનાથી ઉલ્ટું છે. ગામના લોકો કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે માણસોનું કામ ગધેડાને આપવામાં આવ્યું છે. વાત એમ છે કે, રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકાર સતત સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહી છે. નિયમોનો ભંગ કરનાર પાસેથી ભારે દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ, હજુ પણ કેટલાય લોકો એવા છે જેમને પોતાના જીવનની પડી નથી અને છાકટા થઈને ફરે છે. ત્યારે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા જાબાળ ગામમાં કોરોનાના નિયમોનો ભંગ કરનારા વ્યક્તિના ઘર સામે ગધેડાનું ટોળુ ઉભું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આટલું જ નહીં ગ્રામ પંચાયતે જે-તે વ્યક્તિ પાસેથી ૧ હજાર રૂપિયાનો દંડ પણ લેવાનું નક્કી કર્યું છે.

             જાબાળ ગામના દરેક વ્યક્તિને ગ્રામ પંચાયતે લીધેલા નિર્ણય વિશે જાણ થાય તે માટે ગામની શેરીઓમાં ઢોલ વગાડીને તેની જાહેરાત કરવામાં આવી હતી. જાબાળ ગામની વસ્તી માંડ ૧,૮૦૦થી ૨,૦૦૦ જેટલી છે અને લોકો પાસે કડક રીતે કોવિડ-૧૯ના પ્રોટોકોલનું પાલન કરાવવા માટે ગ્રામ પંચાયતને આનાથી વધારે ઉચિત ઉપાય કોઈ લાગ્યો નહીં. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ કે પરિવારના ઘર પાસે ગધેડાનું ટોળુ ઉભું રહેશે તો તેઓ શરમ અનુભવશે અને બીજી વખત નિયમોનું પાલન કરશે, તેમ આવી રસપ્રદ સજા રાખનારા ગામના સરપંચ ભુપેન્દ્ર ખુમાણે જણાવ્યું હતું. પહેલા ગુનાગારો પાસેથી ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. પરંતુ, જો ફરીથી નિયમોનો ભંગ કરતાં ઝડપાશે તો તેઓ શરમ અનુભવે તે માટે તેમના ઘર આગળ ગધેડા મોકલવામાં આવશે', તેમ ખુમાણે કહ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આર્થિક દંડ તે છટકવા માટેનો સરળ રસ્તો છે. દંડ ભર્યા પછી ઘણા લોકો ફરીથી નિયમ તોડે છે. પરંતુ જાહેરમાં શરમજનક હોવાનો અણગમો માનસિક રીતે ઊંડી અસર કરશે અને લોકો વધુ સભાન બનશે. આ સિવાય કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું મહત્વ સમજશે', તેમ ગામના એક આગેવાને કહ્યું હતું.

(9:02 pm IST)