Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં કોરોનાના મૃત્યુ કેસ વધતા સ્મશાને મૃતદેહોની નોંધણી માટે ૪ કર્મચારીઓને ફરજ સોંપાઈ

શિક્ષક સહિત બે કર્મચારીઓને રીલીવર તરીકેની કામગીરી બજાવવા આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ :. સર્વત્ર કોરોના મહામારીએ માથુ ઉંચકતા દરરોજ અસંખ્ય કેસ પોઝીટીવ આવી રહ્યા છે અને અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટે છે ત્યારે સુરતની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને દરરોજ પોઝીટીવ કેસની સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાના એડી. સીટી ઈજનેર દ્વારા સુરતમાં સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી માટે ૪ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોર્પોરેશનના ૪ કર્મચારીઓને અલગ અલગ શિફટમાં ૨૪ કલાક ફરજ સોંપવામાં આવી છે.

જેમા મહેશકુમાર નરોતમભાઈ પટેલ, દેવધરા સુરેન્દ્રસિંહ ગણપતસિંહ, પટેલ નરેન્દ્રકુમાર મણીલાલ અને દેસાઈ બાબુભાઈ મગનભાઈને ફરજ સોંપવામાં આવી છે. આ કર્મચારીઓને સવારે ૬ થી બપોરના ૨ વાગ્યા સુધી, બપોરે ૨થી રાત્રીના ૧૦ અને રાત્રીના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી અલગ અલગ સમય માટે ફરજ સોંપવામાં આવી છે.

આ ઉપરાંત શિક્ષક રમેશચંદ્ર શાંતિલાલ પટેલ અને હિતેશકુમાર શાંતિલાલ ધરૂને રીલીવર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.

(12:46 pm IST)