Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં કોરોના કેસની સાથોસાથ મૃત્યુઆંકમાં પણ જબરો ઉછાળોઃ ૩ કલાકમાં ર૧ મૃતદેહના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કારઃ દરરોજ ૭૦૦ થી વધુ પોઝીટીવ કેસથી ભારે ચિંતા

સુરત તા.૯ : સુરતમાં કોરોનાના કેસમાં વધારાની સાથે સાથે મૃતકઆંક પણ વધ્યો છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભેગી થયેલી ભીડને કારણે કોરોના વધુ ફેલાયો છે. સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. સુરતના ઉમરા સ્મશાનગૃહમાં ડરામણા દ્રશ્ય સામે આવ્યા છે. ઉમરા સ્મશાનગૃહમાં માત્ર 3 કલાકમાં 21 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુરતના ઉમરા સ્મશાનગૃહમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકની અંદર 21 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉમરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યુ છે. સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. સ્મશાનગૃહમાં એક શબવાહિનીમાં 2-2 મૃતદેહને લાવવાની ફરજ પડી રહી છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા તેમજ મોતના પગલે કેન્દ્રીય ટીમ પણ આવી છે. સુરતમાં કેન્દ્રીય આરોગ્ય ટીમે કલેક્ટર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તેનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યુ હતું. સુરતમાં કોરોનાના દરરોજના 700થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

 સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓની સ્ખ્યા અને મૃત્યુઆંક ઉચ્ચ સ્તરે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં 75 થી 90 દર્દીઓના મોત થયા છે, પરંતુ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દરરોજ કોરોનાથી માત્ર 8 થી 10 દર્દીઓના મરણ દર્શાવાઈ રહ્યાં છે.

(4:25 pm IST)