Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગર નજીક દહેગામમાં નહેરુ ચોકડીએથી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર: જિલ્લામાં આવેલાં દહેગામ શહેરમાં થોડા સમય અગાઉ મુખ્ય અને આંતરિક માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષની ચોમાસાની મોસમમાં મોટાભાગના માર્ગો ધોવાઇ જવાના કારણે ઠેકઠેકાણે બિસ્માર અને ઉબડ - ખાબડ થઇ ગયાં છે. 

આઇટીઆઇ તેમજ નહેરુ ચોકડીથી કોર્ટ તરફ જવાના માર્ગની આસપાસ ગટર લાઇનની કામગીરી શરૃ કરાયાં બાદ નીકળેલી માટી માર્ગની આસપાસ ઠલવી દેવામાં આવતાં સમગ્ર રસ્તો ધુળમાં ખોવાઇ જવા પામ્યો છે. આ માર્ગ ઉપર રોજના અસંખ્ય વાહનોની અવર જવર બંને તરફથી થતી હોય છે. ટુંકાગાળામાં બિસ્માર બનેલાં માર્ગો તંત્રની કામગીરીની પોલ પણ ખોલી રહ્યાં છે. તો સમગ્ર માર્ગમાં મસમોટા ખાડા પડી જવાથી વાહનચાલકોની કમરો પણ તુટી રહી છે. ત્યારે સ્થાનિક રહિશોને પણ અકસ્માતના ભયે અવર જવર કરવાની નોબત આવી છે. તો ગટરલાઇનની કામગીરી પુર્ણ થવા છતાં રોડનું સમારકામ કરવામાં તંત્ર આળસ દાખવી રહ્યું હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે.  અગાઉ નવા બનાવેલાં માર્ગ ઉપર યોગ્ય રીતે જાળવણી કરવામાં નહીં આવતાં તેમજ આયોજન વગરની કામગીરી કરાતાં બિસ્માર બનેલાં રસ્તા ઉપર ઠેકઠેકાણે ખાડા પણ પડી ગયા છે.

(5:12 pm IST)