Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મહેસાણામાં રાત્રી કર્ફ્યુનો ભંગ કરનાર પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા

મહેસાણા:શહેરમાં લદાયેલા રાત્રિ કરફયુને પગલે બુધવારે રાત્રે સ્મશાનવત્ શાંતિ પથરાયેલી રહી હતી. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન કરફ્યુનો ભંગ કરી લટાર મારવા નીકળેલા પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પંથકમાં માસ્ક નહીં પહેરનારા અને વાહનોમાં ખીચોખીચ મુસાફરો ભરનાર વાહનચાલકો સામે જાહેરનામા ભંગ અંતર્ગત કાર્યવાહી કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાની ફેલાયેલી બીજી લહેરમાં મહેસાણા જિલ્લામાં જાણે વિસ્ફોટ થયો છે. છેલ્લા પાંચ દિવસથી સરેરાશ ૮૦થી વધુ કોરોનાના દરદીઓ  સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહેસાણા શહેરમાં ચિંતાજનક પરિસ્તિતિ જોવા મળી રહી છે. પરિણામે રાજ્ય સરકારે ૨૦ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધીના જાહેર કરેલા કરફ્યુમાં મહેસાણાનો પણ સમાવેશ કરાયો હતો. બુધવારથી શહેરમાં કરફ્યુનો અમલ શરૃ કરાવવા પોલીસ તંત્રએ તૈયારીઓ કરી હતી. ભૌગલિક દ્રષ્ટિે પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ મુકવામાં આવ્યા હતા. જ્યારે પેટ્રોલીંગની કામગીરી હાથ ધરાઈ હતી. કરફ્યુના પ્રથમ દિવસે વેપારીઓએ પોતાની દુકાનો ૭ વાગ્યા સુધીમાં બંધ કરતાં બજારો અને રસ્તાઓ સુમસામ બની ગયા હતા. હાઈવે પરની હોટલોમાં દેખાતી ઝાકમઝોળ પણ અંધકારમાં પ્રવર્તી ગઈ હતી. કરફ્યુ વચ્ચે પોલીસ પેટ્રોલંગ દરમિયાન ગંજબજાર પાછળ, કસ્બા અને શોભાસણ રોડ ઉપર માસ્ક પહેર્યા વિના રાત્રીના સુમારે લટાર મારવા નીકળેલા પાંચ શખસો પોલીસની ઝપટમાં આવી ગયા હતા. તેમની  સામે કરફ્યુનો ગુનો દાખલ કરાયો હતો. ઉપરાંત જિલ્લાના લાડોલ, ખેરાલુ, કડી, મહેસાણા બી ડિવિઝન, વડનગર, વસાઈ, વિજાપુર, વિસનગર, મહેસાણા તાલુકા સહિતના પોલીસ મથકોમાં એક જ દિવસમાં ૩૦થી વધુ લોકો સામે કોવિડ અંગેના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

(5:13 pm IST)