Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દિકરાનો જન્‍મ થાય તો પતિ સાથે રહેવા મળે એ લાલચે મહિલાએ નવજાત બાળકની ચોરી કરી હતીઃ ગાંધીનગરમાં મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ગાંધીનગર: અઠવાડિયા પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, દીકરાનો જન્મ થાય તો એ પતિ સાથે રહેવા મળે એ લાલચે મહિલાએ નવજાત બાળકની ચોરી કરી હતી.

ગાંધીનગર સિવિલમાં એક અઠવાડિયા પહેલા નવજાત બાળકને વજન કરાવવા લઈ જઉ છું તેવુ કહીને એક મહિલા બાળકને ઉઠાવી ગયી હતી. બાળકની માતા જ્યારે ડિલીવરી માટે સિવિલ હોસ્પિટલમાં આવી. ત્યારે મહિલા સાથે ડિલીવરી દરમિયાન કોઈ ન હતું. મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે રહેતી હતી. એટલુ જ નહિ, બાળકની ચોરી કરવા માટે મહિલા ચોરે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. બાળક અને માતાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પણ આ મહિલા આરોપી તેમના ઘરે રહેવા ગઈ હતી. બાદમા ત્રીજા દિવસે ફરી સિવિલમાં બતાવવા આવવાનું છે તેવુ કહીને બાળકની ચોરી કરીને મહિલા ફરાર થઈ હતી. સમગ્ર કેસમાં પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે.

શા માટે કરી મહિલાએ ચોરી

ગાંધીનગર પોલીસે આરોપી મહિલા અસ્મિતા ભારથી અને તેના પતિ જિગ્નેશ ભારથીની ધરપકડ કરી છે. બંનેને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, અસ્મિતા અને જિગ્નેશને લગ્ન જીવનમાં ત્રણ દીકરીઓ હતી. પરંતુ પતિ જિગ્નેશને પુત્રની ઝંખના હતી. હવે દીકરાનો જન્મ થાય તો જ બંને સાથે રહે તેમ હતું. પરંતુ અસ્મિતા હવે માતા બની શકે તેવી શક્યતા ન હતી. તેથી તેણે બાળક ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

કેવી રીતે પોલીસે મહિલા સુધી પહોંચી

આ અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. જેના બાદ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. અલગ અલગ 12 ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. અંદાજે 200 જેટલા સીસીટીવી કેમેરા અને 500 રીક્ષા ચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને આ મહિલા ગાંધીનગર પાસેના રાજપુરમાં રહેતી હોવાની માહિતી મળી હતી. જો કે ત્યાંથી બંને આરોપીઓ પોતાના વતન બનાસકાંઠા જિલ્લાના વગદા ગામે ગયા હોવાની માહિતી મળી હતી. ત્યારે ગાંધીનગર પોલીસની ટીમે વગદા પહોંચીને મહિલા અને તેના પતિની ધરપકડ કરી હતી. સાથે જ બાળકનો કબજો લઈને તેના પરિવારને પરત સોંપ્યું હતું તેવું ગાંધીનગર ડીવાયએસપી એમકે રાણાએ જણાવ્યું.

(5:35 pm IST)