Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં કોરોના કેસમાં સતત વધારોઃ નંદુરબાર-ધુલિયા-જલગાંવ સહિતના દર્દીઓ પણ મહારાષ્‍ટ્રના બદલે સુરત સારવાર માટે આવે છે

સુરત: એક તરફ સુરતમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા અને જલગાંવના પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સુરતમાં સારવાર માટે આવી રહ્યા છે.

આ જિલ્લાઓમાં સારવાર માટે બેડ અને ઓક્સિજનની સુવિધા નહીં મળતા નંદુરબારના એક વકીલ પોતાના પિતાને સારવાર માટે સુરતમાં યુનિક હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ખબર પડી કે તેમને અને તેમની માતાને પણ કોરોના પોઝિટિવ છે, પરંતુ પૈસાની અછતના કારણે તેઓ આ જ હોસ્પિટલના પગથીયા ઉપર છેલ્લા આઠ દિવસથી રહીને પોતાની સારવાર મેળવી રહ્યા છે.

નંદુરબારના શારદા તાલુકાના મનોજ સાંબળે છેલ્લા આઠ દિવસથી સુરતના યુનિક હોસ્પિટલના પગથીયા ઉપર રહી કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. વાત અહીં પૂર્ણ થતી નથી. મનોજની સાથે તેમની માતાએ પણ અહીં જ સારવાર મેળવી છે. મનોજની વ્યથા સાંભળીને ભલભલાને રુવાટા ઉભા થઇ શકે છે.

શારદા તાલુકામાં સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરાવતા અને પોતે વકીલ મનોજને ખબર પડી હતી કે, તેમના પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમની સારવાર માટે તેઓ મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા ધુલિયા,જલગાંવ અને નંદુરબારના તમામ હોસ્પિટલોમાં બેડની શોધ કરી હતી. તેમને ત્યાં બેડ નહીં મળતા આખરે તેઓ સુરતના શરણે આવ્યા હતા.

વકીલની કોરોના અંગે મનોવ્યથા

પિતાની હાલત ગંભીર થતાં તેઓએ યુનિક હોસ્પિટલમાં દાખલ તો કરી દેતા હતા, પરંતુ આ દરમિયાન તેમની માતા અને તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૈસાની અછતને કારણે તેઓ આ જ હોસ્પિટલના પગથીયા ઉપર સારવાર મેળવી રહ્યા છે. માતા તો હાલ સારા ગઈ ગયા છે.

પરંતુ તેમની સ્થિતિ અત્યારે પણ સામાન્ય થઈ નથી. મનોજ સાંબળેએ જણાવ્યું હતું કે, તેઓ નંદુરબાર જિલ્લાના શારદાથી આવેલા છે. મારા પિતાનું ઓક્સિજન લેવલ ડાઉન થતાં ખબર પડી તેમને કોરોના છે. નંદુબાર, જલગાંવ, ધુલીયા આ તમામ વિસ્તારમાં કોઈપણ હોસ્પિટલ તેમને દાખલ કરવા માટે તૈયાર નહોતી. કારણ કે હોસ્પિટલોમાં બેડની ખૂબ જ અછત હતી.

સ્થાનિક હોસ્પિટલે આપ્યો સુરતનો રેફરન્સ

વકીલે વધુમાં કહ્યું કે, ત્યાંની એક સ્થાનિક હોસ્પિટલે અમને સુરતનો રેફરન્સ આપ્યો. અમે મારા પિતાને લઈ સુરત આવ્યા અને અહીં દાખલ કર્યા છે. અહીં સારવાર ખૂબ જ મોંઘી છે. એક દિવસના 21,000 જેટલા રૂપિયા લેવામાં આવી રહ્યા છે. RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પિતાને દાખલ કર્યા બાદ અમે વિચાર્યું કે, તેઓ કોરોના પોઝિટિવ છે. જેથી પરિવારના અન્ય સભ્યોનું પણ ટેસ્ટીંગ કરવું જરૂરી છે. મારો અને મારી માતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. અત્યારે અમે બહાર બેસીને સારવાર મેળવી રહ્યા છે. ડોક્ટરો અમને સહકાર આપી રહ્યા છે, પરંતુ દવાઓ ખૂબ જ મોંઘી છે. મારા માતાની તબિયતમાં સુધારો જોવા મળે છે, પરંતુ મને અત્યારે કમજોરી છે.

પિતાને બેડ મળતા રાહત અનુભવી

નંદુરબાર, ધુલિયા અને જલગાંવમાં ઓક્સિજનની પણ સુવિધા નથી. તેઓએ જણાવ્યું હતું કે, નંદુરબાર, ધુલિયા અને જલગાંવમાં ઓક્સિજનની પણ સુવિધા નથી. અમને તમામ જગ્યાએ ના પાડી દેવામાં આવી હતી. આખરે અમને એક વ્યક્તિએ જણાવ્યું કે, સુરતમાં સારવાર મળી શકે છે. અહીં આવીને થોડાક સમયમાં મારા પિતાને બેડ મળી ગયો. જો સમયસર બેડ ન મળ્યો હોત તો તેમનું મોત થઈ ગયું હોત.

(5:37 pm IST)