Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

અમદાવાદમાં રેમડેસિવિરના કાળાબજારી કરવાનું કૌભાંડ બહાર આવતા ૩૪ ઇન્‍જેકશન સહિત આરોપીને ઝડપી લીધા

ચિરાગ શાહ -સંદિપ મહેતા નામા શખ્‍સોને ઉઠાવી ધનિષ્‍ઠ તપાસ હાથ ધરતી ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ: શહેરમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજારીયાઓએ (Black Marketing Of Remdesivir) લોકોની મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે. જેમાં પોતાના સ્વજનને બચાવવા માટે અનેક લોકો ઉછીના રૂપિયા કે પછી દાગીના વેચી લઈને કાળા બજારીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન લેવાની નોબત આવી છે.

સરકારે કાળા બજારી બંધ કરવા પ્રયત્નો કર્યા, પરંતુ લોકોને સરળતાથી મળે તેવી કોઈ વ્યવસ્થા ન થઈ હોવાનું લોકો માની રહ્યા છે. જેમાં ખાસ કરીને મેડિકલ માફિયાઓ મહત્વની કાળા બજારી કરી હોવાનું મનાય છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા માફિયાઓને દબોચવાની તૈયારી કરી લીધી છે. શનિવારે બે વેપારીને 34 જેટલા ઈન્જેકશન સાથે પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ પ્રેમ દરવાજા પાસે આવેલા આનંદ મેડિસીન નામના ગોડાઉન, આનંદ મેડિસીન ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યટર્સ અને આનંદ મેડિકલ સ્ટોર્સના માલિકો ચિરાગ શાહ અને સંદિપ મહેતા રેમડેસિવિર ઈન્જેકશન રાખીને કાળા બજાર કરતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ એમ વ્યાસ વોચ ગોઠવી રેડ કરી હતી.

આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી 34 જેટલા ઈન્જેકશન મળી આવ્યા હતા. આ શંકાસ્પદ રેમડેસિવિર ઇન્જેક્શન અંગે બન્ને મલિકો કોઈ જવાબ આપી શક્યા ન હતા. આખરે કડક પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે તેઓ કાળા બજારમાં વેચાણ માટે રાખી મુક્યા હતા. હાલ ત્રણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:24 pm IST)