Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ટેસ્ટિંગમાં ૧૭% ઘટાડો થતાં સાપ્તાહિક કેસ ૧૦ ટકા ઘટ્યા

ગુજરાતમાં દૈનિક કોવિડ ટેસ્ટિંગમાં ઘટાડો : ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે તેવું આંકડા જોઈને લાગી રહ્યું છે પણ હકીકત એ છે કે ટેસ્ટિંગ ખૂબ વધારે ઘટી રહ્યું છે

અમદાવાદ,તા.૯ : ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ૧ મેથી ૭ મે દરમિયાન એવરેજ ૧૨૮૯૪ દૈનિક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે શનિવારે ૧૧,૮૯૨ થઈ ગયા હતા. આ આંકડો છેલ્લા ૧૮ દિવસમાં સૌથી ઓછો છે. તો બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. જોકે શનિવારે કેટલા લોકોનું ટેસ્ટિંગ થયું તેનો ડેટા હજુ સુધી અવેલેબલ નથી પરંતુ પાછલા બે સપ્તાહના ડેટા પર નજર નાખીએ તો છેલ્લું સપ્તાહ ૧થી ૭ મે અને ત્યાર પહેલાનું સપ્તાહ ૨૪થી ૩૦ એપ્રિલ દરમિયાન દૈનિક કોરોના ટેસ્ટિંગમાં એક સપ્તાહમાં ૧૭ ટકાનો ઘટાડો આવ્યો છે. ૧ મે પછી એક પણ દિવસે કોરોના દૈનિક ટેસ્ટિંગ ૧.૫ લાખથી વધુ નથી કરવામાં આવ્યા. નિષ્ણાંતો મુજબ છેલ્લા ૭ દિવસમાં દૈનિક કેસમાં આવેલા ૧૦ ટકા ઘટાડા પાછળ આ મુખ્ય કારણ છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે 'રેપિડ એન્ટિજેન ટેસ્ટ પરથી ભલે ડિપેન્ડન્સ ઘટાડવામાં આવ્યું હોય પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ આરટીપીસીઆર ટેસ્ટ પર કોઈ રિસ્ટ્રિક્શન નથી પરંતુ લોકો તો જ કોવિડ ટેસ્ટિંગ માટે આવે છે. તેથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. તેમજ મોટી હોસ્પિટલો અને કોવિડ ટેસ્ટિંગ સેન્ટર બહાર પણ લાઈનો ઓછી થઈ રહી છે. આ ઉપરાંત જો હોસ્પિટલોના ફિગર આપણે મૂકીએ તો ૩૦ એપ્રિલના રોજ અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલોમાં ભરાયેલા બેડની સંખ્યા ૯૩ ટકાથી ઘટીને ૮૨ ટકા આવી ગઈ હતી.

          તો બીજી તરફ સરેરાશ ટેસ્ટ પોઝિટિવ રેટ એટલે કે પ્રતિ ટેસ્ટમાં કેટલા લોકો પોઝિટિવ આવે છે તે છેલ્લા એક સપ્તાહમાં વધ્યો છે. એપ્રિલનાના છેલ્લા સપ્તાહમાં ટીપીઆર ૮.૫ ટકા હતો જે ટેસ્ટિંગ ઓછા થવા છતા મે મહિનામાં વધીને ૯.૨ ટકા થયો છે. આ ઉપરાંત શહેરી-ગ્રામ્ય વિસ્તારો જે રાજ્યના ચાર મુખ્ય જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આવેલા તેમાં શુક્રવારે ટીપીઆર ૮ ટકા હતો. જ્યારે રાજ્યમાં ટીપીઆર ૯.૫ ટકા હતો. આ ઉપરાંત ગુજરાતમાં રસીકરણનો ડેટા જોવામાં આવે તો મે મહિનાના પ્રથમ સપ્તાહથી પહેલા ડોઝ માટેનો ગ્રાફ નીચે તરફ જઈ રહ્યો છે પરંતુ બીજો ડોઝ લેવામાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારનો ડેટા જોવામાં આવે તો ૬૨,૨૮૩ લોકોએ પહેલો ડોઝ લીધો હતો તેની સામે ૧.૨૫ લોકો બીજો ડોઝ લીધો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આની પાછળનું મુખ્ય કારણ ૧૮થી ૪૫ વર્ષના લોકો માટે અને ૪૫થી વધુ વયના લોકો માટેના અલગ અલગ રસીકરણ કેન્દ્ર મુખ્ય કારણ છે. આ ઉપરાંત રસીનો બીજો ડોઝ આવશે ત્યાર બાદ પ્રથમ ડોઝની સંખ્યામાં પણ વધારો થશે.

(9:53 pm IST)