Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

પંચમહાલના હાલોલની સરકારી મોડેલ સ્કૂલની ઘોર બેદરકારીઃ ધો.૧૦માં નાપાસ હોવા છતાં ધો.૧૧માં ઍડમીશન આપી દીધુ

પંચમહાલ: પંચમહાલના હાલોલની સરકારી મોડેલ સ્કૂલના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી છે. હાલોલની એક વિદ્યાર્થીની ધોરણ 10 માં ફેઈલ હોવા છતાં તેને ધોરણ 11 માં એડમિશન આપ્યુ હોવાનો ખુલાસો થયો છે.

વિદ્યાર્થીનીએ વર્ષ 2019 માં ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા અપાયેલી માર્કશીટમાં નીડ ઈમ્પ્રુવમેન્ટ નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં હાલોલની મોડેલ સરકારી સ્કૂલે 10માં ધોરણમાં નાપાસ વિદ્યાર્થીનીને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપ્યો. આ વિદ્યાર્થીની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા ગઈ ત્યારે છબરડો બહાર આવ્યો છે.

આવામાં સવાલ એ છે કે, શું સરકારી શાળાના જવાબદારોએ માર્કશીટ જોયા વિના જ વિદ્યાર્થીનીને એડમિશન આપ્યું હશે. એટલુ જ નહિ, સરકારી મોડેલ સ્કૂલ દ્વારા એડમિશન આપ્યા બાદ ધોરણ 11 પાસની માર્કશીટ પણ વિધાર્થીનીને અપાઈ. આ વર્ષે વિદ્યાર્થીની ધોરણ 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવા જતાં સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી.

શાળાના આચાર્યે વિદ્યાર્થીનીને ધોરણ 10 માં ફેઈલ હોવાથી ધોરણ 12ની પરીક્ષા નહિ આપી શકે તેવુ જણાવતાં જ વિદ્યાર્થીની અને તેના વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું શાળાએ ધોરણ 10નું પરિણામ જોયા વગર જ એડમિશન અપાયું હશે જેવા અનેક સવાલો ઉદભવી રહ્યાં છે.

(4:45 pm IST)