Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઓલપાડના ઉમરાછી ગામના પૂર્વ સરપંચના મોત મામલે મોટો ખુલાસો : પત્ની અને પ્રેમીએ સાથે મળીને કરી હત્યા

દાંડીયાત્રાના ગાંધી આશ્રમનું સંચાલન કરતી પત્નીએ પ્રેમી સાથે કરી હત્યા: અગ્નિસંસ્કાર પણ કરી દેવાયા હતા જો કે પોલીસને શંકા જતા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતા હત્યાનો ભાંડો ફૂટ્યો

સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના પૂર્વ સરપંચના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પૂર્વ સરપંચનું મોત આકસ્મિક નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકના પત્ની અને પ્રેમીએ સાથે મળીને તેમની હત્યા કરી નાંખી. જે બાદ તેમના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. જો કે પોલીસને શંકા જતા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો

સરપંચ પતિની હત્યા કરનાર પત્ની દાંડીયાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીનું સંચાલન કરતા હતા જ્યારે કે હત્યારો પ્રેમી અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝિટની નોકરી કરતો હતો. આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તારીખ ૧૫ ના રોજ પૂર્વ સરપંચ વીરેન્દ્ર સિંહ સેવાનીયાનું મોત થયું હતું.

પત્નીના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું હતું. જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. જોકે આશંકાને લઇ કીમ પોલીસ સાથે સાથે જીલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. અને આખરે જીલ્લા એસ ઓ જી ને સમગ્ર બાબતે સફળતા મળી હતી.

(12:33 am IST)