Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ એલર્ટ :રથયાત્રાના રથમાં GPS લગાવાશે

પહેલીવાર ડ્રોનમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે. જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરશે.

અમદાવાદ : આતંકવાદી સંગઠન અલકાયદાએ  ભારતને આત્મઘાતી હુમલાની ચેતવણી આપી છે,જેમાં ગુજરાત,મુંબઇ અને યુપીને ટાર્ગેટ કરવાની વાત કરવામાં આવી છે. જેના લીધે તમામ રાજ્યમાં પોલીસે અલર્ટ આપ્યું છે.ગુજરાતમાં 1 લી જુલાઇએ રથયાત્રા અમદાવાદમાં યોજાવવાની હોવાથી આ ધમકીના પગલે પોલીસે બંદોબસ્ત વધુ સખત કરી દીધુ છે.

અમદાવાદ શહેરમાં જગન્નાથ રથયાત્રા છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠન અલકાયદાએ ધમકી આપતા ગુજરાત પોલીસ એલર્ટ બની છે. આ વખતે પહેલીવાર  ડ્રોનમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે. જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરશે.

આ વખતે ખાસ જમીન અને આકાશમાંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.આ વખતે અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થઈ જશે.

રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે

(1:03 am IST)