Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાજપ સરકારનો વિકાસનો વાઘ બેરોજગારીનો બિલાડો સાબીત થયો :આમ આદમીના પ્રહાર

ગુજરાતમાં તલાટીમંત્રીની 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાતા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

અમદાવાદ : આમ આદમી પાર્ટી ( આપ ) એ રોજગારીના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તલાટીમંત્રીની 3400 જગ્યા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભરતા રાજ્યમાં બેરોજગારીની બિહામણુ ચિત્ર સ્પષ્ટ થયુ છે. ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોને યોગ્ય નોકરી ન મળતા તેઓ ખાનગી કંપનીમાં રૂ.7-8 હજાર પગારમાં કામ કરવા મજબુર છે. તેથી, 17 લાખ યુવાનોએ સરકારી નોકરી મેળવવા તલાટીના ફોર્મ ભર્યા છે.

ગુજરાતમાં તલાટીમંત્રીની 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાતા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યુ કે રાજ્યમાં બેરોજગારીએ માઝા મુકી છે. સરકારનો વિકાસનો વાઘ બેરોજગારીનો બિલાડો સાબીત થયો છે. સરકારે વિકાસની મોટા-મોટી વાતો અને જાહેરાત કરીને લોકોને છેતર્યા છે. તલાટી બનવા માટે પીએેચ.ડી, અમબીએ, એન્જિનિયર, માસ્ટર્સની ડીગ્રી ઘરાવતા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે ખરેખર શરમજનક બાબત છે. વાલીઓ પેટે પાટા બાંધીને લાખો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના બાળકને અભ્યાસ કરાવે છે. આ બાળકો જ્યારે ડિગ્રી લઇને બહાર નીકળે ત્યારે તેમને નોકરી મળતી નથી. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત યુવાનોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે મે એમબીએની ડિગ્રી મેળવી છે. મારા જેવા અનેક યુવાનો બેરોજગાર છે. ડિગ્રીના આધારે નોકરી મળતી નથી. ખાનગી ક્ષેત્રમાં યુવાનોનુ શોષણ કરવામાં આવે છે. રૂ.7-8 હજાર પગાર આપીને રૂ.25 હજારની સ્લીપ પર સહી કરાવવામાં આવે છે. સરકારી ખાતામાં યુવાનોને કોન્ટ્રાક્ટ આધારીત નોકરીમાં રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટર બેરોજગાર યુવાનોનુ શોષણ કરે છે. તેમને સરકારના નિયમ અનુસાર લધુત્તમ વેતન પણ આપવામાં આવતુ નથી. ખાનગી ક્ષેત્રમાં બેરોજગાર યુવાનોનુ શોષણ થતુ હોવાથી તેઓ સરકારી નોકરીઓ તરફ આર્કષાય છે. સરકારે દરેક જિલ્લામાં આવેલી રોજગાર કચેરીના આંકડાઓ પર શ્વેતપત્ર જાહેર કરવુ જોઇએ. રોજગાર કચેરીમાં સેંકડો બેરોજગાર યુવાનોએ નોંધણી કરવી છે. પરંતુ, તેમને યોગ્ય રોજગારી આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે.

(1:05 am IST)