Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આખરે વડોદરાની ક્ષમા બિંદુએ આત્‍મ-વિવાહ કરી લીધા

પોતાની જાત સાથે લગ્ન કરનારી નવવધૂએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી : લગ્નના સમારોહમાં મહેમાનોએ ગીતો પર ઠૂમકા લગાવ્‍યા અને ગરબા પણ કર્યા હતા

વડોદરા તા. ૯ : ‘હું ઘણી જ ખુશ છું, આખરે મારા લગ્ન થઈ ગયા છે..' લગ્નની સાડીમાં સજ્જ દુલ્‍હન, ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર સાથે દેખાયેલી ક્ષમા બિંદુના શબ્‍દો છે જેણે આત્‍મ-વિવાહ કરી લીધા છે. ક્ષમાના લગ્નના નિર્ણય બાદ તેના સમર્થનમાં અને વિરોધમાં એમ બે વલણ જોવા મળ્‍યા હતા. જોકે ૨૪ વર્ષની ક્ષમા આખરે પરણી ગઈ છે. દુલ્‍હન બનેલી ક્ષમા પણ બુધવારે ઘણી જ ખુશ દેખાતી હતી. ક્ષમાના લગ્ન બાકીના લગ્નો કરતા એકદમ અલગ હતા, કારણ કે અહીં દુલ્‍હને પોતાની જાત સાથે લગ્ન કર્યા છે.

ક્ષમાએ ૧૧ જૂને આત્‍મ-વિવાહ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ પછી તેણે પોતાનો નિર્ણય બદલ્‍યો અને ૮ જૂને જ આત્‍મ-વિવાહ કરવાનું નક્કી કરી લીધું હતું. શરૂઆતમાં ક્ષમા મંદિરમાં આત્‍મ-વિવાહ કરવાનું નક્કી કર્યું હતું, જોકે, વિરોધનું વંટોળ ઉભું થતા અને ભારતીય સસ્‍કૃતિની વિરૂદ્ધમાં આ છોકરી પગલું ભરી રહી હોવાનું સામે આવતા તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનું ટાળ્‍યું છે.

૨૪ વર્ષની ક્ષમા બિંદુએ બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે જ ૪૦ મિનિટની ડિજિટલ વિધિ સાથે તેના મિત્રોએ જીવનભર સાથ આપવાનો વચન આપીને ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં સૌથી મહત્‍વના ગણાતા પૂજારી અને વરની ગેરહાજરી હતી. ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્‍યું કે, ‘અન્‍ય દુલ્‍હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્‍યું નથી.' ૨૪ વર્ષની પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમાએ કહ્યું કે, ‘ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા ૧૦ મિત્રોને જ આમંત્રણ આપ્‍યું હતું.' તેણે એમ પણ કહ્યું કે, ‘સત્તાવાર રીતે મારા લગ્ન થઈ ગયા છે, અને કદાચ હું ભારતની પહેલી મહિલા છું જેણે આમ કર્યું છે.'

પોતાની જાત સાથે લગ્ન કરનારી નવવધૂએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી. ક્ષમા કહે છે કે, ‘હું મંદિરમાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેમ થઈ શક્‍યું નહીં, કોઈ સમસ્‍યા ઉભી ના થાય તે માટે મારે સ્‍થળ બદલવું પડ્‍યું,' આ લગ્નમાં ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્‍યા હતા.

ક્ષમાની ફ્રેન્‍ડ યેશા ચોક્‍સી કે જેઓ લગ્નમાં હાજર હતા તેઓ જણાવે છે કે, ‘હું તેના આ નિર્ણયનું સ્‍વગત કરું છું. ભારે દબાણ છતાં ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે અને અન્‍ય લોકો માટે પણ મોટું ઉદાહરણ રજૂ કર્યું છે કે તે દુલ્‍હન બની છે પણ કોઈ બીજી વ્‍યક્‍તિની પત્‍ની બની નથી.'

આ લગ્નના સમારોહમાં મહેમાનોએ ગીતો પર ઠૂમકા લગાવ્‍યા અને ગરબા પણ કર્યા હતા. આ લગ્ન ઉતાવળમાં ગણતરીના મહેમાનોની હાજરીમાં કરવાના હોવાથી દુલ્‍હનને કેટલાક જરુરી પગલા પણ ભરવા પડ્‍યા હતા.

દુલ્‍હને લગ્ન શરૂ થાય તે પહેલા પોતાના લિવિંગ રૂમનો મુખ્‍ય દરવાજો બંધ કરી દીધો હતો, કે જેથી તે સુનિヘતિ થાય કે મોટી સંખ્‍યામાં મહેમાનો આવી ના જાય. જયારે ક્ષમાએ આત્‍મ-વિવાહ અંગે જાહેરાત કરી ત્‍યારે તે સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ થઈ હતી, જયારે કેટલાક લોકોએ તેના આ નિર્ણયને સાહસિક પણ ગણાવ્‍યો હતો. આમ છતાં વધુ વિવાદ ટાળવા માટે તેણે લગ્નના સ્‍થળની સાથે તારીખ પણ બદલવી પડી.

(11:28 am IST)