Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગુજરાતની બીજા નંબરની ૧૮ કિ.મી.ના રૂટવાળી ભાવનગરની રથયાત્રા માટે ૭ હજાર પોલીસ કાફલો તૈનાત

અલકાયદાની આત્‍મઘાતી હુમલાની ઇનપુટ સંદર્ભે સૌરાષ્‍ટ્રની મોટી યાત્રા અંગે તાકીદની સમીક્ષા બેઠક યોજતા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા

ભાવનગર રેન્‍જ વડા અશોકકુમાર યાદવ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવે છે કે રેન્‍જના વિવિધ જિલ્લા સાથે ગુજરાતભરમાંથી પોલીસ કાફલો મદદે આવશેઃ ચિંતા અમારા પર છોડી ધાર્મિક ઉત્‍સવ સાથે મળી સહુ ઉજવો                               

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ, રેન્‍જ વડા વી.ચંદ્રશેખર વિગેરે સાથે આશિષ ભાટિયા, લો એન્‍ડ ઓર્ડર વડા દ્વારા બંદોબસ્‍ત સંદર્ભે તાકીદની વીસી મારફત માહિતી મેળવી લેવામાં આવી

ગુજરાત સ્‍ટેટ આઇબી વડા અનુપમસિંહ ગહેલોત સતત સેન્‍ટ્રલ આઈબી, રો સહિતની એજન્‍સીઓ સાથે સંકલન કરી હાઇ લેવલે અપ ડેટ કરી રહ્યા છે, ખાનગીમાં ભારે ધમધમાટ

રાજકોટ, તા.૯:  ભારતીય જનતા પાર્ટીના એક સમયના પ્રવકતા મહિલા અગ્રણી અને હાલ જેમને પક્ષમાંથી દુર કરવામાં આવ્‍યા છે તેવા નૂપુર શર્મા દ્વારા થયેલ ધાર્મિક મુદે થયેલ વિધાનો બાદ મુસ્‍લિમ દેશો દ્વારા વ્‍યકત થયેલ નારાજી અને કુખ્‍યાત આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં આત્‍મઘાતી હુમલાની ચીમકી પગલે ગુજરાતની સહુથી મોટી ત્રણ રથયાત્રા પૈકી અમદાવાદ, ભાવનગર અને  આણંદ રથયાત્રા માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમાં કોમાર વિગેરે દ્વારા તાકીદની સમીક્ષા બેઠક વિડિયો કોન્‍ફરન્‍સ માધ્‍યમથી યોજવામાં આવી હતી, જેમાં સુરક્ષાચક્ર ભેદી ન શકાય તે રીતે અભેદ કરવા રણનીતિ ઘડવામાં આવેલ.                             

 મુખ્‍ય પોલીસ વડાં આશિષ ભાટિયા દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ, અમદાવાદ રેન્‍જ વડા શ્રી ચંદ્ર શેખર અને ભાવનગર રેન્‍જ વડા અશોક કુમાર યાદવ સાથે આ વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા સુરક્ષા મામલે કરવામાં આવેલ તૈયારીઓ અંગેની જાણકારી મેળવી હતી.                  

ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા બાદ સહુથી મોટી એવી ભાવનગરની રથયાત્રાની સુરક્ષા, સલામતી વ્‍યવસ્‍થા અંગે ભાવનગર રંજના અનુભવી રેન્‍જ વડા  અશોકકુમાર યાદવ સાથે ‘અકિલા' સાથે વાતચીત દરમિયાન જણાવેલ કે અલ કાયદા ધમકી અંગે આઇબી ઇનપુટ અંગે પૂરતી કાળજી રાખવામાં આવી છે. સ્‍ટેટ આઇબી વડા સાથે પણ સંકલન રાખવામાં આવેલ છે, તમામ અપ ડેટ તેમની ટીમ દ્વારા મેળવી અમારી વિશેષ ટીમ પણ આ બાબતે ખાસ વિગતો મેળવી રહી છે.           

 ૧૮ કિ.મી. લાંબી રથયાત્રા રૂટ પર કોઈ જાતની અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે ભાવનગર રેન્‍જના જિલ્લાઓ સાથે ગુજરાતભરમાંથી અનુભવી પોલીસ અધિકારીઓ, અર્ધ લશ્‍કરી દળ ઉતારવામાં આવશે, રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે ભૂતકાળના બનાવો નજર સામે રાખી ૭ હાજર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે , લોકોએ કોઈ ખોટો ગભરાટ રાખવાની કે અફવા થી દુર રહી આ ધાર્મિક ઉત્‍સવ માણવા પણ તેઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

(11:29 am IST)