Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

એસટીના તમામ ડ્રાઇવર-કંડકટરોના ગ્રેડ પે માં વધારો કરતી સરકારઃ ૩૦ હજાર કર્મચારીઓને જબરો ફાયદો

ડ્રાઇવરનો ગ્રેડ પે ૧૦૦૦ ને બદલે ૧૯૦૦ તો કંડકટરોને હવે ૧૬૫૦ને બદલે ૧૮૦૦નો ગ્રેડ પે મળશે : એસ.ટી. બોર્ડ અને યુનિયનો વચ્‍ચે મંત્રણા સફળઃ ૧૧ ટકા મોંઘવારી ભથ્‍થાની દરખાસ્‍ત થશે : આજથી શરૂ થતુ તબક્કાવાર આંદોલન મોકુફ રહે તેવી શકયતા

રાજકોટ, તા., ૯: ગુજરાત એસટી નિગમના તમામ ડ્રાઇવર, કંડકટરોના ગ્રેડ પે માં વધારો કરી અપાતા ૩૦ હજાર જેટલા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે. આવતા જુલાઇ માસના પગારમાં વધારો મળશે. તા.૧-૧૧-ર૧ થી ગ્રેડ પે ગણવાનો રહેતા સાત માસનું એરીયર્સ પણ મળવાપાત્ર રહેશે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ અને કર્મચારી યુનિયનો વચ્‍ચે થયેલી સમજુતી મુજબ આગામી જુલાઇ માસથી જ ડ્રાઇવરનો ગ્રેડ પે ૧,૮૦૦ને બદલે ૧,૯૦૦ કરી નખાયો છે. જયારે કંડકટરનો ગ્રેડ પે ૧૬પ૦ને બદલે વધારીને ૧૮૦૦ કરવામાં આવ્‍યો છે.
વિવિધ ર૩ જેટલી પડતર માંગણીઓને લઇને કર્મચારી સંગઠનોએ તા.૯ જુનથી આંદોલનો શરૂ કરવાની ચિમકી આપતા રાજય સરકાર સમજુતીના માર્ગે આવી છે. તા.૧૮ જુનના રોજ હડતાળની ચીમકી મળતા અધિકારીઓએ રાણીપ નિગમની કચેરી ખાતે યુનિયનોના આગેવાનો સાથે બેઠક યોજીને સમજુતીની રૂપરેખા નક્કી કરી હતી. જેને પગલે સરકારે ગ્રેડ પે વધારી આપવાનો મહત્‍વપુર્ણ નિર્ણય લીધો છે.
આ અંગે કર્મચારી સંકલન સમીતીના આગેવાનોના જણાવ્‍યા મુજબ હવે આંદોલન મોકુફ રખાશે. સરકારે અમારી વાત માની તે મહત્‍વનું છે. અન્‍ય થયેલી સમજુતી મુજબ સેટલમેન્‍ટની જોગવાઇ મુજબ ૧૧ ટકા મોંઘવારી ભથ્‍થાની દરખાસ્‍ત કરાશે. સરકારની મંજુરી મળ્‍યે તે ચુકવાશે. વર્ષ ૨૦૨૧-૨૨ની હક રજાનું ત્‍વરીત રોકડમાં ચુકવણું કરાશે. બદલી અંગેના પરીપત્ર ૨૦૭૭માં સુધારો કરાશે. બાકીના મુદાઓ અંગે સમીતી સાથે ચર્ચા વિચારણા કરાશે.  

 

(11:40 am IST)