Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પેન્‍શનવાળા મુરતિયા પસંદ કરી રહી છે એકલું જીવન જીવતી મહીલાઓ

અમદાવાદની સંસ્‍થા અનુબંધના નટુભાઇએ બદલાયેલ ટ્રેન્‍ડનો કર્યો ખુલાસો : ર૦-રપ વર્ષનો તફાવત પણ લગ્ન માટે જતો કરી નાખે છે

અમદાવાદ તા. ૯: એક સમય હતો, જયારે ઉંમરના પાછલા પડાવમાં વિધવા કે વિધુર બની ગયેલાંસ્ત્રી-પુરૂષો આખું જીવન એકલાં કાઢી નાખતાં હતાં. ધીમે ધીમે એમાં ફેરફાર આવ્‍યો છે. એકલવાયું જીવન જીવતા વૃદ્ધો પણ હવે સાથીદાર શોધીને બાકીની જિંદગી સધિયારા સાથે જીવવાનું પસંદ કરે છે. આ બધાની વચ્‍ચે એક અલગ ચોંકાવનારો ટ્રેન્‍ડ શરૂ થયો છે. જેમાં વૃદ્ધો જેમની પેન્‍શનની આવક ચાલુ હોય એવા જીવનસાથી પસંદ કરી રહ્યા છે ખાસ કરીને એકલું જીવન જીવતી મહિલાઓ હવે મોટી ઉંમરના પેન્‍શનવાળા મુરતિયા પસંદ કરી રહી છે.
અમદાવાદના વાસણામાં અનુબંધ સંસ્‍થા દ્વારા પ૦થી વધુ ઉંમરની વ્‍યકિતઓના પુનઃ લગ્ન કરાવવામાં આવે છે. સંસ્‍થાની મુલાકાતમાં આ ચોંકાવનારા ટ્રેન્‍ડની ખબર પડી હતી. અનુબંધ સંસ્‍થા ચલાવતા નટુભાઇ પટેલ સાથે વાતચીતમાં તેમણે સમાજમાં આવેલા બદલાવની વાત કરી હતી અને મોટી ઉંમરે પેન્‍શન પર જીવતા મુરતિયા પસંદ કરવાનો ટ્રેન્‍ડ વધ્‍યો હોવાનું કહ્યું હતું.
નટુભાઇ પટેલ અમદાવાદના વાસણામાં છેલ્લાં ર૦ વર્ષથી પ૦ વર્ષથી વધુની ઉંમરના લોકો માટે ‘અનુબંધ' નામથી અનોખો મેરેજ બ્‍યૂરો ચલાવે છે. નટુભાઇ યોજના મંત્રાલયના રિટાયર્ડ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ તરીકે સેવા આપી ચૂકયા છે. ૮૧ વર્ષના એક પ્રોફેસરને મહિને ૮૦-૯૦ હજાર પેન્‍શન આવતું હતું અને પ્રોફેસર કોલેજના અભ્‍યાસક્રમમાં સમાવી શકાય એવું એક પુસ્‍તક પણ લખી રહ્યા હતા. તેમની પુત્રવધુ તેમને લઇને આવેલી. એ જયપુર તરફના હતા. રાજસ્‍થાનની પ્રણાલી એવી છે કે પુત્રવધૂ સાથે સસરા વાત ના કરતા હોય, ઘૂંઘટ પ્રથા હોય છતાં પણ એમની ડોકટર પુત્રવધુ સસરાને લઇને આવી અને કહ્યું કે મારા સસરાની એકલતા દૂર કરવા અને વાતચીત કરવા માટે એક સાથીદારની જરૂર છે.
જે એમની સાથે વાતો કરી શકે અને તેમની સંભાળ લે. એ વાંચન કરતાં હોય તો કંપની આપી શકે. ત્‍યારે એક પાત્ર મારી પાસે હતું. તે બહેન પપ વર્ષના હતા અને એમને છોકરાઓ રાખવા તૈયાર ન હતા. ઉપરાંત તે ભાડાના મકાનમાં રહેતા હતા. બંને વચ્‍ચે ઉંમરમાં ર૦-રપ વર્ષનો તફાવત હતો. બંને એકબીજાને મળ્‍યા હતા. હાલ એ બંને પોતાનું જીવન સુખેથી પસાર કરે છે. બહેનનું માનવું હતું કે પતિનું પેન્‍શન છે તો જિંદગીમાં તકલીફ નહીં પડે.

 

(3:26 pm IST)