Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમદાવાદ સિવિલમાં રેસિડેન્‍ટ તબીબોની ડીજે પાર્ટી ! : સાયલન્‍ટ ઝોનમાં રેસિડેન્‍ટ તબીબોએ ડીજે વગાડી ઠુમકા માર્યા

હોસ્‍પિટલ બહાર હોર્ન વગાડવા પર પાબંઘી પણ અંદર ડીજેની છુટ ? : લાઉડ સ્‍પીકરનાં કારણે વિવિધ રોગથી પિડાતા દર્દીઓની નિંદર હરામ થઈ

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્‍યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ વઘુ એક વખત ચર્ચાનુ કેન્‍દ્ર બની છે. જેમાં સાઇલેન્‍ટ ઝોન ગણાતા સિવિલનાં કેમ્‍પસમાં ડીજે પાર્ટી યોજાઈ હતી. જેને કારણે દર્દીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. તેમજ આ પાર્ટીની પરવાનગી કોણે આપી ? શુ આ પાર્ટી બાબતે સુપ્રિટેન્‍ડેન્‍ટને ખબર હતી ? જેવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઇ રહ્યા છે.

હોસ્પિટલ એ સાયલન્ટ ઝોન ગણાય છે. આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે, ત્યાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ, અને હજારો દર્દીઓને ખલેલ પહોંચાડવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં DJ પાર્ટી યોજાઈ હતી. સાઈલેન્ટ ઝોન છતા વિદ્યાર્થીઓની DJ પાર્ટીનું આયોજન કરાયુ હતું. જેને કારણે પાર્ટીનો શોર આખા કેમ્પસમાં ફરી વળ્યો હતો. એક તરફ દર્દી દવા લઈને માંડ ઊંઘ લેતો હોય ત્યાં આ રીતે ડીજે પાર્ટી યોજીને ખલેલ પહોંચાડવાનુ શુ કારણ. દર્દીઓની ચિંતા ભૂલી રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા.

કોણે આપી મંજૂરી?

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની ડીજે પાર્ટી યોજાઈ હતી. સિવિલ કેમ્પસ સાયલન્ટ ઝોન હોવા છતાં રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા. જોકે, DJ પાર્ટીના લાઉડ વોલ્યુમને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શું સિવિલ હોસ્પિટલના તંત્રને નથી ખબર કે આ સાયલન્ટ ઝોન છે, તો કોણે વિદ્યાર્થીઓને પાર્ટીની મંજૂરી આપી. તબીબ વિદ્યાર્થીઓ અન્ય સ્થળે પણ પાર્ટી કરી શક્તા હતા. ત્યારે આખેઆરી પાર્ટી યોજાઈ ગઈ ત્યારે શુ કોઈનુ ધ્યાન ગયું. આ પ્રકારના મેડિકલ કેમ્પસમાં પાર્ટીનુ આયોજન કેવી રીતે થઈ શકે. આમ, પાર્ટી યોજનાર અને પાર્ટીની પરમિશન આપનાર સામે અનેક સવાલો ઉભા થયા છે.

અમે અવાજને મર્યાદામાં રાખીને ડીજે પાર્ટી કરી હતી

બે વર્ષથી મેડિકલ કેમ્પસમાં કોઈ વાર્ષિક કાર્યક્રમો યોજાયા ન હતા, જેથી તબીબો વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ ડીજે પાર્ટી યોજી હતી. પરંતુ શુ મસ્તી માટે આ પ્રકારની પાર્ટી યોજીને દર્દીઓને ખલેલ પહોંચાડવી જરૂરી હતી. આ વિશે જેડીએ પ્રમુખ ડો. રાહુલ ગામિતીએ કહ્યુ કે, બીજે મેડિકલ કોલેજનો વાર્ષિક ઉત્સવ હતો. બે વર્ષ કોરોનાને કારણે કોઈ ફંક્શન ન થયુ હતું. પરંતુ હવે અમે કાર્યક્રમો યોજ્યા હતા. કોવિડના કામને કારણે બે વર્ષથી તબીબો કામ કરી રહ્યા હતા. તેઓનો સ્ટ્રેસ ઓછો થાય તે રીતે આ આયોજન કરાયુ હતું. અમે પાર્ટીનુ આયોજન કોલેજ કેમ્પસમાં ફંક્શન કર્યું હતુ, પણ હોસ્પિટલના કેમ્પસમાં નહોતુ કર્યું. અમે આ માટે બધા પાસેથી પરમિશન લીધી હતી. અમે દર્દીઓની સેવા માટે ખડેપગે ઉભા જ છીએ, પરંતુ વાર્ષિક ફંક્શન તબીબોનુ સ્ટ્રેસ ઓછુ કરવાનુ છે. અમે અવાજને મર્યાદામાં રાખીને ડીજે પાર્ટી કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે બિટ્સ દ્વારા સાયલન્સ ઝોનમાં દર્દીઓને તકલીફ પડે એવી રીતે ડીજે વગાડવા મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દર વર્ષે મનોરંજન માટે ડીજે વગાડી કાર્યક્રમ કરતા હોય છે. પરંતુ આ વર્ષે સિવિલના દર્દીઓને તકલીફ થાય એ રીતે સાયલન્સ ઝોનમાં ડીજે વગાડ્યું છે, જે મુદ્દે યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીજે વગાડી મનોરંજન કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. 

આ સમગ્ર ઘટના અનેક સવાલો ઉભા કરે છે. આખરે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોણે પાર્ટી યોજી? સાયલેન્ટ ઝોન છતા પાર્ટીનું કેમ કરાયું આયોજન? સિવિલના કેમ્પસમાં પાર્ટી કરવા માટે કોણે પરવાનગી આપી? સિવિલના સુપરિન્ટેન્ડન્ટને પાર્ટી વિશે જાણકારી હતી? પાર્ટી યોજનાર સામે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ કાર્યવાહી કરશે?

(5:35 pm IST)