Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમદાવાદ ખાડીયા વિસતારમાં ધોળે દિવસે ભાજપના કાર્યકર રાકેશ મહેતાની હત્‍યાઃ કાયદો-વ્‍યવસ્‍થાની સામે સવાલો

કુખ્‍યાત બુટલેગર મોન્‍ટુ નામદાર અને તેના સાગરીતોએ બેઝ બોલના બેટથી ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદઃ અમદાવાદના ખાડીયા વિસ્‍તારમાં કાયદાની ઐસીતૈસી કરી ધોળે દિવસે કુખ્‍યાત મોન્‍ટુ નામદાર અને તેના સાગરીતો સહિતનાએ રાકેશ મહેતા ઉર્ફે બોબીને બેઝ બોલના બેટના ફટકા મારી હત્‍યા કરી નાસી છૂટયા હતા. મૃતક કેબલ અને કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાય અને સંકળાયેલ છે અને ભાજપના કાર્યકર પણ હતા. તમામ આરોપી ફરાર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા બુધવારે સાંજે ચાર વાગ્યાના સુમારે કુખ્યાત મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે મળી રાકેશ મહેતાની હત્યા કરી હતી.

અમદાવાદ ખાડીયા વિસ્તારમાં આવેલી હજીરાની પોળ સાંજે ચાર વાગ્યાના સુમારે પોલીસની સાયરનથી ગુંજી ઉઠી હતી. કંટ્રોલ નંબરથી હત્યાના બનાવની જાણ થતાં ખાડીયા પોલીસ હજીરાની પોળ ખાતે પહોચી તો ત્યાં રાકેશ મહેતાની લાશ પડી હતી. રાકેશ મહેતાને કુખ્યાત બુટલેગર મોન્ટુ નામદારે તેના સાગરીતો સાથે મળી બેઝ બોલના બેટથી ઢોર માર માર્યો હતો ઘટના સમયે પવન ગાંધી ત્યાંથી પસાર થતાં આરોપીએ ભાગી છુટ્યા હતા. ગંભીર ઇજાઓ પહોચતાં રાકેશ મહેતાએ ઘટના સ્થળે જ જીવ છોડી દીધો હતો ઘટનાને પગલે ખાડીયા પોલીસ મથકે મોન્ટુ નામદાર અને તેના સાગરીતો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હત્યાના બનાવ પાછળના એક લાંબો ઇતિહાસ રહેલો છે મોન્ટુ ગાંધી અને પવન ગાંધી પિતરાઇ ભાઇ છે. વર્ષ 1992માં મોન્ટુ સુરેશચંદ્ર ગાંધીએ પવન ગાંધીની સગી બહેન સાથે લગ્ન કર્યા હતા. જે મુદ્દે લાંબા સમયથી બંને ભાઇઓ વચ્ચે ખટરાગ ચાલતો હતો. ગાંધી રોડ પર કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાકેશ સુરેશ ચંદ્ર મહેતા પવન ગાંધીના સારા મિત્ર હતા તેઓ પવન ગાંધીને મદદ કરતા હતા. જે મોન્ટુ નામદારને પંસદ ન આવતાં તેણે સાગરીતો સાથે મળી પોતાની ઓફીસ સામે જ બેઝ બોલની સ્ટીક વડે રાકેશ ઉર્ફે બોબીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

રાકેશ ઉર્ફે બોબી કેબલની સાથે કંસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકાળાયેલો હતો અને તે ભાજપનો કાર્યકર પણ હતો. મોન્ટુ નામદાર પર અનેક કેસ નોંધાયેલા છે. તેના અંગે ચાલતી ચર્ચા પર ધ્યાન આપીએ તો તેના પર આઇપીએસ અધિકારીઓ અને વહિવટદારોનું પ્રોટેક્શન રહેતુ તેના દ્વારા ચાલતા જુગાર ધામમાં અનેક મોટા માથાઓએ લાભ અને સેવા લીધી હોવાની ચર્ચા છે. હાલ તો તમામ આરોપીઓ ફરાર છે જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

(5:38 pm IST)