Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મહેસાણા તાલુકાના મગુના ગામે જુગારની રેડ પાડવા ગયેલ પોલીસ પર પંદરેક શખ્સોએ હુમલો કરતા બે કર્મચારી ઈજાગ્રસ્ત

મહેસાણા:તાલુકાના મગુના ગામમાં જુગારની રેડ કરવા ગયેલ સાંથલ પોલીસ ઉપર ઝડપાયેલા આરોપીઓને છોડાવવાના મામલે મહિલાઓ સહિતના પંદરેક શખસોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થવા પામી હતી.આ અંગે પોલીસે આઠ શખસો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરી તપાસ આરંભી હતી.

સાંથલ પોલીસને મળેલી બાતમી આધારે પીએસઆઈ જે.પી.રાવ અને પોલીસ સ્ટાફે મગુના ગામના તળાવ પાસે ચાલતી જુગારની પ્રવૃતીના સ્થળે રેડ પાડી હતી.જયાંથી જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓને લઈ જવાતા હતા તે વખતે એકાએક શક્તિ ઈશુભા ઝાલા, સહદેવ ઝાલા, જસવંત દાનભા ઝાલા સહિત મહિલા અને પુરુષો મળી પંદરેક શખસો ગેરકાયદેસર મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ઝડપાયેલા આરોપીઓને છોડાવવા  પોલીસ ઉપર જાનથી મારી નાંખવાના ઈરાદે હુમલો કરતાં એએસઆઈ શાહરભાઈ દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ચૌધરીને ઈજાઓ પહોંચાડી હતી.જયારે એક કારમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં અન્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનામાં પોલીસે શક્તિ ઝાલા, સહદેવ ઈશુભા ઝાલા, જસવંત ઝાલા, ચંન્દ્ર રાજુભા ઝાલા, વિક્રમ ભારતસિંહ ઝાલા રાજુભા દિલીપસિંહ ઝાલા સહિત આઠ આરોપીઓ સામે ફરીયાદ નોંધી હતી. જે પૈકી ઈશુભા દિલીપસિંહ ઝાલા અને બાપુભા રાજુભા ઝાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:14 pm IST)