Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પીવાના પાણીના ત્રાસથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરા:શહેરના વિકાસમાં સિંહ ફાળો આપતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટર ડૉ. હિતેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે અગાઉ મહાદેવ ચોકમાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આજે મહાકાળી નગર અને અંબે ફળિયામાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓનો મોરચો વહીવટી વોર્ડ 05ની કચેરી ખાતે પહોંચ્યો હતો. જ્યાં અધિકારીઓ હાજર ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા શહેરમાં વસ્તી વધારા સામે કોર્પોરેશન પાણીના સ્ત્રોત વિકસાવવામાં વિલંબ કરતા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળા ટાળે પીવાના પાણીનો કકળાટ સર્જાય છે. બે મહિના અગાઉ કિશનવાડી વિસ્તારમાં આવેલા મહાદેવ ચોકમાં પાણીનો કકળાટ સર્જાતા મહિલાઓએ માટલા ફોડયા હતા. દરમિયાન મહાકાળી નગર અને અંબે ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો કકળાટ જોવા મળ્યો છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અવારનવાર વહીવટી વોર્ડ કચેરી કોર્પોરેટર અને કોર્પોરેશનના ધક્કા ખાઈ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પરંતુ કોણીએ ગોળ લગાડવામાં આવે છે. આજ દિન સુધી ફરિયાદનું નિરાકરણ આવ્યું નથી. પીવાનું પાણી નહિવત મળી રહ્યું છે. વેરાની સમયસર અને વ્યાજ સાથે વસૂલાત કરતું કોર્પોરેશન પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નિવડયું છે. તેમાં પણ તગડો પગાર લેતા અધિકારીઓ ની ખુરશીઓ ખાલી છે અને લાઈટ પંખા ધમધમી રહ્યા છે.

(6:19 pm IST)